હૈદરાબાદમાં ૬ વર્ષની માસૂમની દુષ્કર્મ બાદ હત્યા: મંત્રીએ કહ્યું-એન્કાઉન્ટર કરીશું
હૈદરાબાદ, તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં ૬ વર્ષની માસૂમ સાથે કથિત રીતે થયેલા બળાત્કાર અને ત્યારબાદ હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. હવે હૈદરાબાદ સિટી પોલીસે દુષ્કર્મ અને હત્યાના આરોપી પી.રાજુની જાણકારી આપનારા માટે ૧૦ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.
હૈદરાબાદ શહેરના સઈદાબાદ વિસ્તારની સિંગરેની સ્લમ કોલોનીમાં ૯ સપ્ટેમ્બરના રોજ છ વર્ષની બાળકી અર્ધનગ્ન અવસ્થામાં પાડોશીના ઘરમાં મૃત મળી આવી હતી. બાળકીના બળાત્કાર અને પછી હત્યાનો મુખ્ય સંદિગ્ધ ૩૦ વર્ષનો રાજૂ નામનો પાડોશી છે.
શરૂઆતમાં હૈદરાબાદ પોલીસે દાવો કર્યો હતો કે આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવશે પરંતુ હાલ તો સંદિગ્ધ હજુ પણ ફરાર છે અને પોલીસ તેની શોધ ચલાવી રહી છે. આરોપી છેલ્લીવાર ૧૦ સપ્ટેમ્બરના રોજ સીસીટીવી કેમેરામાં જાેવા મળ્યો હતો.
હવે પોલીસે આરોપીનો ફોટો જાહેર કર્યો છે. તેના વિશે જાણકારી આપનારાને ૧૦ લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.
પોલીસે જણાવ્યું કે સંદિગ્ધ વ્યક્તિ લગભગ ૫ ફૂટ ૯ ઈંચ લાંબો છે અને તેણે પોતાના હાથમાં ‘મૌનિકા’ ટેટુ કોતરાવ્યું છે.
નાની બાળકીના દુષ્કર્મ અને હત્યાના કેસના કારણે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. દરેક જણ આરોપીને કડક સજા આપવાની માંગણી કરી રહ્યા છે. આ બધા વચ્ચે તેલંગણા સરકારના મંત્રીએ પણ એવું નિવેદન આપ્યું કે જેના કારણે ચર્ચા થઈ રહી છે.
તેલંગણા સરકારમાં લેબરમંત્રી મલ્લા રેડ્ડીએ જેમ બને તેમ જલદી ન્યાય આપવાની વાત કરી છે. મલ્લા રેડ્ડીએ એટલે સુધી કહી દીધુ કે હૈદરાબાદની બાળકીની હત્યા કરનારાને કડક સજા મળવી જાેઈએ. અમે તેની ધરપકડ કરીશું અને પછી એન્કાઉન્ટર કરી દઈશું. મંત્રીએ ભરોસો પણ વ્યક્ત કર્યો કે તેઓ જલદી પીડિત પરિવારની મુલાકાત કરશે, તેમની મદદ કરશે. અને પરિવારને દરેક પ્રકારની મદદ કરવા માંગે છે. આ વાતને આગળ વધારતા તેમણે એન્કાઉન્ટરની વાત પણ કરી અને કહ્યું કે અમે આરોપીને છોડીશું નહીં.HS