Western Times News

Gujarati News

હૈદરાબાદ એન્કાઉન્ટરની રાજ્યભરમાં ઉજવણી

અમદાવાદ: તેલંગાણા દુષ્કર્મ કેસના ચારેય આરોપીઓને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવાની ઘટનાનું ગુજરાત સહિત દેશભરમાં ભારે ઉત્સાહ અને ન્યાય મળ્યાના સંતોષની લાગણી સાથે સ્વાગત થઈ રહ્યું છે. અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત રાજય અને દેશભરમાં તેલગાંણા પોલીસના એન્કાન્ટરના કારનામાને લઇ જાણે ઉજવણીનો માહોલ બન્યો છે. મહિલા તબીબ પર દુષ્કર્મ ગુજારી તેને જીવતી સળગાવી દેવાના જઘન્ય અને અત્યંત ઘૃણાસ્પદકાંડના ચારેય આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર મારવાર તેલગાંણા પોલીસને ગુજરાત સહિત દેશભરમાંથી શુભેચ્છા, શાબાશી, સલામી અને દુઆઓ મળી રહી છે. ખાસ કરીને ગુજરાત સહિત દેશભરની મહિલાઓ તેલગાંણા પોલીસની કામગીરીથી સૌથી વધુ ખુશ છે અને તેઓ મીઠાઇ વહેંચી, લોકોના મોં મીઠા કરાવી, ફટાકડા ફોડી અને ન્યાય મળ્યાની લાગણી સાથે તેલગાંણા પોલીસની ન્યાય પધ્ધતિને બિરદાવી રહી છે.

માત્ર એટલું જ નહીં, ચારેય નરાધમોનું એન્કાઉન્ટર કરનારા તેલંગાણા પોલીસ કર્મીઓને ભાવનગરના મહુવાના વેપારી રાજભા ગોહિલ દ્વારા રૂ.૧-૧ લાખનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઘટનાથી તેઓ પોલીસ પર ગર્વ અનુભવી રહ્યા છે. રાજભા ગોહિલે જણાવ્યુ હતું કે, હું હૈદરાબાદ જઇને તેલગાંણા પોલીસનું સન્માન કરીશ. હું મહુવામાં રહું છું. આજે મને ગર્વ થાય છે, દેશની બહેન-દીકરીઓને જે સન્માન આપ્યું છે, તેથી હું મારા દેશની પોલીસને એક-એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરૂ છું. આ રકમ હું હૈદરાબાદ જઇને પોલીસને આપીશ.

જે કાર્ય પોલીસ કર્યું છે તે સન્માનને લાયક છે તેમજ કાયદો અને વ્યવસ્થાનું સન્માન કરૂ છું. મારી દેશની બહેન-દીકરીઓ સામે કોઇ આંખ ઉંચી ન કરે તેવું પોલીસ કાર્ય કરે તે માટે હું હૈદરાબાદ જઇને પોલીસનું સન્માન કરીશ. જય હિન્દ….આમ, તેલંગાણા દુષ્કર્મના આરોપીઓને પોલીસ એન્કાઉન્ટરમાં મારવામાં આવ્યા હોવાના અહેવાલો આવ્યા બાદ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ફટાકડા ફોડીને અને મીઠાઈઓ વેચીને ખુશીઓ વ્યક્ત કરી રહ્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં આજે તેલગાંણા પોલીસના માનમાં અને તેમની બહાદુરીભરી કામગીરીને બિરદાવતાં કાર્યક્રમો યોજાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.