હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનને ફટકારી વધુ એક નોટિસ
આજે પૂછપરછ કરવામાં આવશે
મહિલા મોત થવાના કેસમાં ચિક્કડપલ્લી પોલીસ ૧૩ ડિસેમ્બરે અલ્લુ અર્જુનને તેના ઘરેથી કસ્ટડીમાં લીધો હતો
હૈદરાબાદ,
હૈદરાબાદ પોલીસે સંધ્યા થિયેટર નાસભાગ મામલે એક્ટર અલ્લુ અર્જુનને વધુ એક નોટિસ ફટકારી છે. ઘટનાને લઈને આજે સવારે ૧૧ વાગ્યે અલ્લુ અર્જુનને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચોથી ડિસેમ્બરના રોજ હૈદરાબાદની સંધ્યા થિયેટરમાં ફિલ્મ ‘પુષ્પા-૨ ધ રૂલ’ની સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાઈ હતી. રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુન અહીં ફિલ્મ જોવા આવ્યો હતો. અલ્લુને જોવા ત્યાં અનેક ચાહકો આવ્યા હતા. આ દરમિયાન ભીડ બેકાબુ થઈ ગઈ અને પોલીસે લાઠી ચાર્જ કરવો પડ્યો હતો.
ભારે ભીડ થયા બાદ અલ્લુ ચાહકોને મળવા પહોંચ્યો અને ત્યાં અચાનક નાસભાગ મચી ગઈ, જેમાં ૩૫ વર્ષિય રેવતી નામની મહિલાનું મોત થયું અને તેના બાળકને ઈજા થઈ હતી. તાજેતરમાં એવો રિપોર્ટ સામે આવ્યો છે કે, ઈજાગ્રસ્ત આઠ વર્ષના બાળકની તબિયત સુધરવાને બદલે ગંભીર થઈ રહી છે. હવે આ ઘટના મામલે રાજ્યમાં ભારે રાજકારણ શરૂ થઈ ગયું છે, જેના કારણે અલ્લુ અર્જુનની મુશ્કેલી સતત વધતી જ જોવા મળી રહી છે.મહિલા મોત થવાના કેસમાં ચિક્કડપલ્લી પોલીસ ૧૩ ડિસેમ્બરે અલ્લુ અર્જુનને તેના ઘરેથી કસ્ટડીમાં લીધો હતો.
ત્યારબાદ તેને વચગાળાના જામીન પર છોડી દેવામાં આવ્યો હતા. લગભગ ૧૮ કલાક સુધી ચાલેલી કાર્યવાહી બાદ અલ્લુ અર્જુનને વચગાળાના જામીન મળી ગયા હતા. જો કે, જેલ પ્રશાસનને જામીનના કાગળો ન મળવાના કારણે અલ્લુ અર્જુને એક રાત જેલમાં વિતાવવી પડી હતી. તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે, પોલીસની પરવાનગી મળી ન હોવા છતા અલ્લુ અર્જુન ફિલ્મના સ્ક્રિનિંગ વખતે થિયેટર ગયો હતો. જો કે, અભિનેતાએ આ આરોપો નકાર્યા હતા.
જ્યારે રવિવારે અર્જુને સોશિયલ મીડિયા માધ્યમ પર પોતાના ચાહકોને સાવચેત રહેવાની વાત કરી હતી અર્જુને ‘X’ પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, ‘હું મારા તમામ ચાહકોને તેમની ભાવનાઓ વ્યક્ત કરવા માટે ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમમાં કોઈપણ પ્રકારે અપમાનજનક ભાષા કે ટિપ્પણી ન કરવાની અપીલ કરુ છું.’ ss1