હૈદરાબાદ બાદ બિહારમાં હેવાનિયત, બળાત્કારનો વિરોધ કર્યો તો યુવતીને જીવતી સળગાવી
મુઝફ્ફરપુર, હૈદરાબાદ અને ઉન્નાવ બાદ હવે બિહારના મુઝફ્ફરપુરમાં હેવાનિયતનો શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પાગલ આશિકે એક તરફી પ્રેમમાં યુવતી સાથે બળાત્કારનો પ્રયાસ કર્યો અને યુવતીએ વિરોધ કરતાં તેણીને જીવતી સળગાવી દીધી. હૈદરાબાદ રેપ કેસની શાહી સુકાઇ નથી ત્યાં વધુ એક યુવતીને જીવતી સળગાવી દેવાતાં લોકોમાં રોષ ભભૂક્યો છે.
યુવતીની હાલત હાલમાં નાજુક છે. યુવતીનું શરીર ૮૦ ટકાથી વધુ દાઝી ગઇ છે. મુઝફ્ફરપુર એસકેએમસીએચમાં તેણીની સારવાર ચાલી રહી છે. આરોપીને પોલીસે પકડી લીધો છે.
યુવતીને હવસનો શિકાર બનાવવા જતાં તેણીએ વિરોધ કરતાં આ નરાધમે તેણીને આગ ચાંપી હતી. આ ઝપાઝપીમાં આ શખ્સ પણ દાઝી ગયો હતો. યુવતીના પરિવારજનોના અનુસાર આ શખ્સ છેલ્લા કેટલાક સમયથી તેણીને પરેશાન કરતો હતો. આ મામલે પોલીસની લાપરવાહી સામે આવી છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર તેમણે પોલીસ મથકે આ શખ્સ વિરૂધ્ધ ઘણી વાર ફરિયાદ પણ કરી હતી પરંતુ પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર જે સમયે આ ઘટના ઘટી એ સમયે યુવતીની માતા નોકરીએ ગઇ હતી અને યુવતી ઘરે હતી. આ શખ્સ યુવતીની બાજુમાં જ રહેતો હતો અને ઘણા લાંબા સમયથી યુવતીને એક તરફી પ્રેમ કરતો હતો અને યુવતીને પરેશાન કરતો હતો. રવિવારે યુવતીની માતા નોકરી પર ગઇ હતી અને યુવતી ઘરે એકલી હતી એ સમયે આ શખ્સ ઘરમાં ઘૂસી આવ્યો હતો. યુવતીએ તેણીની બહેન અને પરિવારને આ અંગે જાણકારી આપી અને એની ગણતરીની મિનિટો બાદ આ શખ્સે તેણીને જીવતી સળગાવી દીધી હતી.