હૈદરાબાદ રેપ-મર્ડર કેસના આરોપીનું મૃત્યુ: રેલવે ટ્રેક પરથી મળ્યો મૃતદેહ

નવી દિલ્હી, હૈદરાબાદના સૈદાબાદ ખાતે 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને બાદમાં તેની હત્યાનો કેસ સતત ચર્ચામાં છે. હૈદરાબાદ પોલીસને ગુરૂવારે રેલવે ટ્રેક પાસેથી એક મૃતદેહ મળી આવ્યો હતો. તે મૃતદેહ રેપ-મર્ડર કેસના આરોપીનો જ છે અને તેલંગાણા ડીજીપીએ તેની પૃષ્ટિ કરી છે.
હકીકતે વારનગલ ખાતે રેલવે ટ્રેક પરથી એક મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાં પહોંચેલી પોલીસે મૃતદેહની તપાસ દરમિયાન હાથ પરના ટેટુના આધારે તે સૈદાબાદ રેપ-મર્ડર કેસનો આરોપી હોવાનું જાણ્યું હતું. હૈદરાબાદ સીપી અંજિની કુમારના કહેવા પ્રમાણે હાલ તે મૃતદેહ આરોપીનો જ હોવાનું લાગી રહ્યું છે.
તેલંગાણાના ડીજીપીએ ટ્વીટમાં લખ્યું હતું કે, સિંગારેની કોલોનીમાં રેપ અને મર્ડર કરનારા આરોપીનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યો છે. તે ઘનપુર પોલીસ સ્ટેશન અંતર્ગત આવે છે. શરીર પરના નિશાનોના આધારે આરોપીની પૃષ્ટિ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, તેલંગાણાના હૈદરાબાદમાં 9 સપ્ટેમ્બરના રોજ એક 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી સાથે પહેલા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસને આ કેસમાં એક 30 વર્ષીય શખ્સ પર શંકા હતી જે બાળકીની પાડોશમાં રહેતો હતો.