હૈદરાબાદ વેટનરી તબીબ ગેંગરેપની સંસદમાં ગુંજ

નવીદિલ્હી: હૈદરાબાદમાં મહિલા વેટનરી તબીબ પર બળાત્કાર બાદ તેમની નિર્મમ હત્યાથી દેશભરમાં હોબાળો મચી ગયો છે. આજે આ મામલાની ગુંજ સંસદમાં પણ જાવા મળી હતી. બંને ગૃહમાં તમામ પક્ષોના સભ્યોએ આ જધન્ય હત્યાકાંડ પર ખુબ જ નારાજગી વ્યક્ત કરી હતી. સાંસદોએ અપરાધીઓને વહેલીતકે ફાંસી આપવા માટે કાનૂનને વધુ કઠોર કરવાની તરફેણ કરી હતી. રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ અને વિતેલા વર્ષોની અભિનેત્રી જયા બચ્ચને તો આ ઘટનાને લઇને એટલી હદ સુધી નારાજગી વ્યક્ત કરી હતી કે, તેઓએ બળાત્કારીઓને ભીડને હવાલે કરી દેવાનું સૂચન કર્યું હતું.
રાજ્યસભાના અધ્યક્ષ જયાના આ નિવેદનને લઇને થોડાક પરેશાન દેખાયા હતા. અન્નાદ્રમુકના સાંસદ વિજીલા સત્યાનંદ ચર્ચા દરમિયાન ભાવુક નજરે પડી હતી. તેમણે કહ્યું હતું કે, દેશ હવે પુત્રીઓ માટે સુરક્ષિત દેખાઈ રહ્યો નથી. રાજનાથસિંહે ખાતરી આપતા કહ્યું હતું કે, સરકાર દોષિતોને ફાંસી અપાવવા માટે કાનૂનને વધુ કઠોર કરવા માટે તૈયાર છે. બીજી બાજુ રાજ્યસભામાં અધ્યક્ષ વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે, આ પ્રકારની અમાનવીય ઘટનાથી કાનૂનની દ્રષ્ટિએ નહીં બલ્કે મજબૂત રાજકીય ઇચ્છા શક્તિથી રોકી શકાય છે. કેટલાક લોકો જે કહેવા લાગ્યા છે કે, આરોપી કિશોર છે જે દુષ્કૃત્ય અને અપકૃત્ય કરી શકે છે તેને વય સાથે કોઇ લેવા દેવા હોવા જાઇએ નહીં. કેટલાક સાંસદોએ અધ્યક્ષના આ સૂચનની પ્રશંસા કરી હતી.
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, બળાત્કાર જેવા હેવાનિયત કૃત્ય પર બ્રેક મુકવા માટે નવા નવા કાયદાની જગ્યાએ મજબૂત રાજકીય ઇચ્છા શક્તિ વધારે જરૂરી છે. હાલમાં ફાસ્ટટ્રેક કોર્ટમાં સજા મળે છે તો અપીલ પર અપીલ કરવાના ચલણના કારણે અપરાધી બચી જાય છે. ફાસ્ટટ્રેક બાદ પણ અપીલ ઉપર અપીલની પ્રક્રિયા એટલી લાંબી છે કે તમામ બાબતો પૂર્ણ થઇ જાય છે. આવા લોકો ઉપર દયાભાવના હોવી જાઇએ નહીં.
કોર્ટમાંથી સજા મળ્યા બાદ સરકાર ત્યારબાદ કેન્દ્ર સરકાર ત્યારબાદ ગૃહમંત્રાલય અને રાષ્ટ્રપતિની પાસે દયાની અરજી મોકલવાની વ્યવસ્થા કેમ છે. આ પહેલા રાજનાથસિંહે હૈદરાબાદની ઘટનાને અમાનવીય ગણાવી હતી.