હૈદરાબાદ સામે લખનૌ સુપર જાયન્ટ્સનો ૧૨ રને વિજય
નવી દિલ્હી, સુકાની લોકેશ રાહુલ અને દીપક હૂડાની અડધી સદી બાદ અવેશ ખાનની ઘાતક બોલિંગની મદદથી લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં સોમવારે રમાયેલા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ૧૨ વિજય નોંધાવ્યો હતો.
બેટિંગ અને બોલિંગ બંનેમાં લખનૌનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું હતું. જ્યારે હૈદરાબાદના બેટર્સ વધારે કમાલ કરી શક્યા ન હતા. પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ લખનૌ ટીમે નિર્ધારીત ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૬૯ રનનો સ્કોર નોંધાવ્યો હતો.
જેના જવાબમાં હૈદરાબાદની ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૫૭ રન નોંધાવી શકી હતી. લખનૌ માટે બોલિંગમાં અવેશ ખાન અને જેસન હોલ્ડરે તરખાટ મચાવી દીધો હતો. ૧૭૦ રનના લક્ષ્યાંકના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદના બેટર્સનું પ્રદર્શન નિરાશનજક રહ્યું હતું.
અવેશ ખાને ઘાતક બોલિંગ કરી હતી જેના કારણે હૈદરાબાદ વિજય નોંધાવવાથી ચૂકી ગયું હતું. ટીમની શરૂઆત સારી રહી હતી અને અભિષેક શર્મા અને કેન વિલિયમ્સનની જાેડીએ ૩.૩ ઓવરમાં ૨૫ રનની ભાગીદારી નોંધાવી હતી.
જાેકે, બાદમાં હૈદરાબાદે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. અભિષેકે ૧૩ અને સુકાની કેન વિલિયમ્સને ૧૬ રનનું યોગદાન આપ્યું હતું. ટીમ માટે સૌથી વધુ રન રાહુલ ત્રિપાઠીએ નોંધાવ્યા હતા. તેણે ૩૦ બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૪૪ રન ફટકાર્યા હતા.
જ્યારે વિકેટકીપર બેટર નિકોલસ પૂરને ૨૪ બોલમાં ૩૪ રનની ઈનિંગ્સ રમી હતી જેમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. જ્યારે વોશિંગ્ટન સુંદરે ૧૮ રનનું યોગદાન આપ્યું હતું. ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડરમાં અવેશ ખાને તરખાટ મચાવ્યો હતો જ્યારે લોઅર ઓર્ડરમાં જેસન હોલ્ડરે સપાટો બોલાવ્યો હતો. અવેશ ખાને ચાર ઓવરમાં ૨૪ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી જે આઈપીએલમાં તેનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. જ્યારે જેસન હોલ્ડરે ત્રણ અને કૃણાલ પંડ્યાએ બે વિકેટ ઝડપી હતી.SSS