Western Times News

Gujarati News

હૈદ્રાબાદમાં ડેલ્ટાના કેસ અચાનક વધતાં ચિંતા વધી

હૈદરાબાદ, દેશમાં ચાલી રહેલી કોરોનાની ત્રીજી લહેરમાં ઓમિક્રોન વેરિયંટ સક્રિય ભાગ ભજવી રહ્યો છે. એક તરફ, કોરોનાનો આ વેરિયંટ ઓછો ઘાતક હોવાથી હોસ્પિટલાઈઝેશન તેમજ ગંભીર હાલત ધરાવતા દર્દીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું છે, પરંતુ બીજી તરફ હૈદરાબાદમાં ઓમિક્રોનની સાથે ખતરનાક ગણાતા ડેલ્ટા વેરિયંટના કેસો પણ અચાનક વધતા ડૉક્ટરો ચિંતામાં મૂકાયા છે.

શહેરની ઘણી પ્રાઈવેટ હોસ્પિટલોમાં તાવ, સૂકી ઉધરસ અને ઓક્સિજનના સ્તરમાં ચઢ-ઉતર થતી હોય તેવા દર્દીઓની સંખ્યા છેલ્લા ૧૦ દિવસમાં અચાનક વધવા લાગી છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૧માં દેશમાં ડેલ્ટા વેરિયંટને કારણે બીજી લહેર આવી હતી. જે ખૂબ જ ભયાનક સાબિત થઈ હતી.

તેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા, અને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી હતી. ૨૬ જાન્યુઆરીના રોજ તેલંગાણામાં કોરોનાના ૩૮,૦૨૩ દર્દીઓ સારવાર હેઠળ તેમજ આઈસોલેશનમાં હતાં. ૧૭ જાન્યુઆરીએ આ આંકડો ૨૨,૧૯૭ હતો. વળી, આ જ ગાળામાં હોસ્પિટલમાં એડમિટ લોકોની સંખ્યા પણ વધી છે.

૧૭ જાન્યુઆરીએ રાજ્યમાં કુલ ૨,૩૬૬ દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યારે ૨૬ જાન્યુઆરીએ આ આંકડો વધીને ૩,૩૩૨ પર પહોંચી ગયો હતો. હૈદરાબાદની સનશાઈન હોસ્પિટલ્સમાં કન્સલ્ટન્ટ ફિઝિશિયન તરીકે ફરજ બજાવતા ડૉ. કે. પ્રશાંત કુમારના જણાવ્યા અનુસાર ૧ જાન્યુઆરીથી ત્રીજી વેવ શરુ થઈ છે.

જાેકે, છેલ્લા એક સપ્તાહમાં હોસ્પિટલાઈઝેશન અચાનક વધી રહ્યું છે. હોસ્પિટલમાં આવતા દર્દી હાઈ ફીવર, શ્વાસ લેવામાં તકલીફ તેમજ ઓક્સિજનના ૯૩-૯૪ ટકા પ્રમાણ સાથે આવી રહ્યા છે. તેમના આરટીપીસીઆર ટેસ્ટમાં જાે એસ જિનની હાજરી મળી આવે તો તેને ક્લિનિકલી ડેલ્ટા વેરિયંટ તરીકે ગણતરીમાં લેવાય છે.

ડૉક્ટર્સનું કહેવું છે કે, ડેલ્ટા વેરિયંટ હજુય દર્દીઓમાં જાેવા મળી રહ્યો છે. જેના કારણે કેટલાક દર્દીઓની હાલત ખૂબ જ ગંભીર પણ બની જાય છે. કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડૉ. નવીન રેડ્ડીના જણાવ્યા અનુસાર, ૨૦૨૧માં આવેલી બીજી અને હાલ ચાલી રહેલી ત્રીજી લહેર વચ્ચે પાયાનો તફાવત ઓક્સિજનની ડિમાન્ડનો છે.

આ વખતે હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ નીચું હોવા ઉપરાંત ઓક્સિજન પર રાખવા પડે તેવા દર્દીઓની સંખ્યા પણ ઓછી છે. ડેલ્ટા વેરિયંટનો ચેપ લાગ્યો હોય તેવા દર્દીને ત્રણથી પાંચ દિવસ સુધી હોસ્પિટલમાં રાખવા પડે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.