હોંગકોંગથી હિમાલય સુધી વિસ્તારવાદની ચીનની નાપાક હરકતો
નવીદિલ્હી: તાજેતરમાં વડા પ્રધાન મોદીએ લેહ પર અણધારી મુલાકાત લઇને ભારતના જવાનોનું માત્ર જોશ જ વધાર્યું નહોતું, પરંતુ ચીનને પણ જડબાતોડ સંદેશ આપીને તેના વિસ્તારવાદી મનસુબા પર કડક પ્રહાર કર્યા હતા. વડા પ્રધાન મોદીએ ચીનનાં પાખંડ પર જણાવ્યું હતું કે ભારત તેની અતિક્રમણકારી હરકતોનો સજ્જડ જવાબ આપશે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરહદના લેહના નિમૂની મુલાકાત લઇને એક તરફ ચીનને ચોંકાવ્યું હતું તો બીજી તરફ આપણી સરહદની સુરક્ષા કરતા બહાદુર જવાનોની વીરતાને વખાણીને એમને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આખું લદ્દાખ ભારતનું છે અને રહેશે.
ભારતના બહાદુર જવાનોએ તાજેતરમાં જ પોતાની તાકાતનો પરચો બતાવી દીધો છે અને ભવિષ્યમાં જરૂર પડે ત્યારે જડબાંતોડ જવાબ આપશે. તેઓ ભૂમિદળ, હવાઇદળના સૈનિકો તેમજ ઇન્ડો-તિબેટ પોલીસ ફોર્સના જવાનો તથા તાજેતરમાં ચીન સાથેની અથડામણમાં ઘાયલ થયેલા સૈનિકોને મળ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મોદીએ ચીનને સ્પષ્ટ શબ્દોમાં સુણાવી દીધું કે વિસ્તારવાદનો યુગ હવે સમાપ્ત થયો છે. હવે વિકાસવાદ જ ભાવિ પ્રગતિનો આધાર છે અને અમે દેશને સંપૂર્ણપણે સ્વાવલંબી બનાવીને રહીશું. મોદીએ ચીનને આ પ્રકારનો આક્રમક સંદેશ આપીને યોગ્ય જ કર્યું છે. કારણ કે ચીન મૂળભૂત રીતે વિસ્તારવાદી માનસિકતા જ ધરાવે છે. ચીનનો ઇરાદો હોંગકોંગથી લઇને હિમાલય સુધી પોતાની સરહદનું વિસ્તરણ કરવાનો છે.