હોંગકોંગમાં આઠ દેશોની ફ્લાઈટો પર પ્રતિબંધઃ નહીં જઈ શકાય હોંગકોંગ

નવીદિલ્હી, વિશ્વભરમાં ઘાતક કોરોના વાયરસનો કહેર યથાવત છે, ઘણા દેશોમાં ઘાતક ઓમિક્રોન વેરીએન્ટનો પણ ખતરો તોળાઈ રહ્યો છે, ત્યારે આ વચ્ચે એશિયાના એક દેશે મહત્વનો ર્નિણય કર્યો છે. ઓમિક્રોનના કહેર વચ્ચે હોંગકોંગે એક મોટો ર્નિણય લીધો છે, આઠ દેશોની ફ્લાઈટની ઉડાણો પર પ્રતિબંધ લાદ્યો છે.
કોરોના વાયરસની મહામારીએ ફરી એક વખત આખી દુનિયામાં કેર મચાવ્યો છે. અમેરિકા, યુરોપ, એશિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.અમેરિકામાં કોરોનાની સુનામી આવી હોય તેમ ૨૪ કલાકમાં ૧૧ લાખથી વધુ કેસ નોંધાયા હતા, જે દુનિયામાં કોરોના મહામારી ફેલાયાના બે વર્ષમાં કોઈપણ દેશમાં કોરોનાના દૈનિક સૌથી વધુ કેસ સામે આવ્યા છે.
આ ઉપરાંત દુનિયામાં પણ કોરોનાના દૈનિક કેસ બમણાથી વધુ સામે આવી રહ્યા છે. ગયા સપ્તાહે આખી દુનિયામાં કોરોનાના એક કરોડ કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ સાપ્તાહિક કેસ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અમેરિકામાં સોમવારે એક દિવસમાં કોરોનાના ૧૧ લાખ કેસ નોંધાયા હતા, જે ચાર દિવસ પહેલાં ૨૪ કલાકમાં ૫.૯૦ લાખ કેસ કરતાં લગભગ બમણા થયા હતા. અમેરિકામાં સોમવારે કોરોનાના દૈનિક કેસ દુનિયામાં કોઈપણ દેશમાં કોઈપણ સમયે નોંધાયેલા કેસ કરતાં અનેક ગણા વધુ હતા. અમેરિકામાં સોમવારે કોરોનાના નવા ૧૦,૮૨,૫૪૯ કેસ નોંધાયા હતા અને વધુ ૧,૬૮૮નાં મોત થયા હતા.
આ સાથે કોરોનાના કુલ કેસ ૫,૬૧,૯૧,૭૩૩ થયા હતા જ્યારે મૃત્યુઆંક ૮,૨૭,૭૪૯ થયો હતો તેમ જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા પરથી જણાયું હતું.HS