હોકીમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, વંદના કટારિયાએ ઈતિહાસ રચ્યો
નવીદિલ્હી: ટોકિયો ઓલિમ્પિકનો આજે ૯મો દિવસ છે. પણ ભારતને શરૂઆતથી નિરાશાનો સામનો કરવો પડ્યો છે. બોક્સર અમિત પંઘલ અને તીરંદાજ અતનુ દાસ હારી જતા મેડલની આશા પર પાણી ફરી વળ્યું છે. હવે બેડમિન્ટનમાં પીવી સિંધુ અને બોક્સર પૂજા રાની પર બધાની નજર છે. ભારતની મહિલા હોકી ટીમે ગ્રુપ સ્ટેજના પોતાના છેલ્લા મુકાબલામાં જીત મેળવી છે. તેણે દક્ષિણ આફ્રીકાને ૪-૩થી હરાવ્યું. ટીમ ઈન્ડિયાની ટોકિયો ઓલિમ્પિકમાં આ બીજી જીત છે. ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવા માટેની આશા હજુ જીવંત છે. ભારત તરફથી વંદના કરારિયાએ મેચની ચોથી મિનિટમાં પહેલો ગોલ કર્યો હતો. બીજાે ગોલ પણ મેચની ૧૭મી મિનિટમાં વંદનાએ જ કર્યો જે પેનલ્ટી કોર્નરથી આવ્યો.
ત્યારબાદ નેહાએ મેચની ૩૨મી મિનિટમાં ભારત તરફથી ત્રીજાે ગોલ કર્યો. આ ગોલ પણ પેનલ્ટી કોર્નરથી જ આવ્યો. ભારત તરફથી વંદના કટારિયાએ ફરીથી ગોલ કર્યો. મેચની ૪૯મી મિનિટમાં તેણે ચોથો ગોલ કર્યો. મેચમાં આ તેનો ત્રીજાે ગોલ હતો. વંદના ભારતની પહેલી હોકી ખેલાડી બની ગઈ છે જેણે ઓલિમ્પિક મેચમાં ત્રણ ગોલ કર્યા. ભારતની કમલપ્રીત કૌરે એકદમ શાનદાર પ્રદર્શન કરતા મહિલાઓની ડિસ્કસ થ્રોની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.