Western Times News

Gujarati News

હોટલના પાર્કિંગમાં ઊભેલા કન્ટેઈનરમાંથી ગાંજાે પકડાયો

બારડોલી, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેળ નેશનલ હાઈવે નં. ૪૮ પરથી હોટલના પાર્કિંગમાં બે દિવસથી ઉભેલા કન્ટેઈનર ટ્રકની શુક્રવારે એસઓજી દ્વારા હોટલ માલિકની રૂબરૂમાં તાળા ખોલીને તપાસ કરવામાં આવી હતી. જેમાં કન્ટેઈનરમાંથી કુલ ૩૦ મીણીયા કોથળામાંથી ૭૦૧.૧૦૦ કિલોગ્રામ ગાંજાનો રૂ. ૭૦.૧૧ લાખના મૂલ્યનો જથ્થો મળી આવતા કબજે કર્યો હતો. ટ્રકની ડ્રાઈવર કેબિનમાંથી અન્ય નંબરની નંબર પ્લેટો પણ મળી આવી હતી.

સુરત જિલ્લા એસઓજીની ટીમે ગુરૂવારે સાંજના સમયે હેડ કોન્સ્ટેબલ રોહિત બાબુભાઈને મળેલી બાતમીના આધારે ઉભેળ ગામે નેશનલ હાઈવે નં. ૪૮ ઉપર આવેલી મહાદેવ હોટેલની પાછળના ભાગે પાર્કિંગમાં તપાસ કરી હતી.

પોલીસની ટીમ પાર્કિંગમાં જતાં બિનવારસી કન્ટેઈનર ટ્રક (નં. એચઆર-૪૬-ડી-૭૩૩૭)માં પાછળના ભાગે બે તાળા મારેલા હતા. ટ્રકની કેબીનમાં ડ્રાઈવર કે અન્ય કોઈ નહીં જણાતા પોલીસે હોટલ માલિક સહદેવસિંહ શંકરસિંહ રાજપુરોહિત (રહે. ઉંભેળ, મૂળ રહે. રાજસ્થાન) ને ટ્રક પાસે લાવી પૂછપરછ કરતાં કન્ટેઈનર ટ્રક હોટલના પાર્કિંગમાં બે દિવસથી ઉભું છે અને ડ્રાઈવર સહિત કોઈ જણાતાં નથી તેમ જણાવ્યું હતુ.

જેથી પોલીસે ટ્રકના ડ્રાઈવર કેબીનનો દરવાજાે ખોલતા ટ્રક ચાલુ કરવાની જગ્યાએ ચાવી હતી. જેની સાથે બીજી બે ચાવી હતી. જે ચાવીથી કન્ટેઈનરના પાછળના ભાગે મારેલા તાળા ખોલતા કન્ટેઈનરમાં ૨૪ મીણીયા કોથળામાં વનસ્પતિજન્ય ગાંજાે ભરેલો હતો. ડ્રાઈવર કેબીનમાં સીટ નીચેના ભાગે અન્ય નંબરની નંબર પ્લેટો પણ મળી આવી હતી. તેમજ બોડીના પાછળના ભાગે ચોરખાનુ બનાવી દરવાજાે મુકેલો હતો.

પોલીસે ચોરખાનુ ખોલતા તેમાંથી પણ વધુ ૬ મીણીયા કોથળામાં ગાંજાે મળી આવ્યો હતો. પોલીસે કુલ ૩૦ કોથળામાંથી ૭૦૧.૧૦૦ કિલોગ્રામ ગાંજાે કિંમત રૂ. ૭૦,૧૧,૦૦૦નો જથ્થો કબજે કરી એફ.એસ.એલ પાસે પરીક્ષણ કરાવ્યું હતુ. પોલીસે રૂ. ૧૦ લાખના કન્ટેઈનર સાથે કુલ રૂ. ૮૦,૧૧,૧૦૦નો મુદ્દામાલ કબજે કરી કામરેજ પોલીસમાં નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો નોંધી અજાણ્યા ટ્રક ચાલકને વોન્ટેડ જાહેર કરી ટ્રક નંબર આધારે આગળની તપાસ હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.