હોટલના મેનેજરે મુલાકાતીનું આઈડી પ્રૂફ માંગતા ત્રણ શખ્સોએ હુમલો કર્યાે
આશ્રમ રોડ પર આવેલી હોટેલમાં બનેલી ઘટના
અમદાવાદ: શહેરમાં આવેલી અસંખ્ય હોટેલોને પોલીસ તંત્ર દ્વારા પથિક સોફ્ટવેર આપવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે હોટેલમાં રોકાતાં અને મુલાકાત લેતાં તમામ નાગરીકોની નોંધ કરવા માટે પોલીસ દ્વારા હોટેલોને આદેશ આપવામાં આવ્યો છે. જાકે, આશ્રમ રોડ ઉપર આવેલી એક હોટેલનાં કર્મચારીએ પોતાની ફરજ બજાવવા માર ખાવાનો વખત આવ્યો છે. હોટેલમાં રોકાયેલાં પોતાનાં મિત્રને મળવા માંગતા ત્રણ શખ્સો પાસે આઈડી પ્રૂફ માંગતા ઉશ્કેરાયેલ શખ્સે હોટેલનાં કર્મચારીને ઢોર માર માર્યાે હતો.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે આશ્રમ રોડ પર આવેલાં બાટાનાં શો રૂમની સામે કલેક્શન ઓફ વાઈસ પ્રેસિડેન્ટ હોટેલ આવેલી છે. આ હોટેલમાં ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યાનાં સુમારે ત્રણ અજાણ્યા ઈસમો આવેલાં હતાં.
જેમણે રૂમ નં.૨૦૨માં રોકાયેલા સાહુ નામનાં વ્યક્તિને મળવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી ફરજ ઉપર હાજર મેનેજર વિસર્જન સુકરમપાલ એહેલાવત (ચાંદખેડા)એ તેમની પાસે આઈડી પ્રૂફ માંગીને રજીસ્ટરમાં એન્ટ્રી કરવા જણાવ્યું હતું. જા કે ત્રણે ઈસમોએ પોતાનું આઈડી પ્રુફ આવ્યું નહોતું અને એન્ટ્રી કર્યા બાદ જ રૂમમાં જવા માટે જીદ પકડી રાખી હતી.
મેનેજરે વિસર્જનભાઈને એન્ટ્રી વગર જવા દેવા ઈન્કાર કરતાં ત્રણેય ઈસમો તેમનાં ઉપર ઉશ્કેરાયાં હતા અને તેમની સાથે ગાળાગાળી કરી વિસર્જનભાઈને ઢોર માર માર્યાે હતો. આ ઘટના બાદ ફરજ પર હાજર સ્ટાફ પણ હેબતાઈ ગયો હતો અને વચ્ચે પડીને વિસર્જનભાઈને છોડાવ્યા હતાં.
દરમિયાન કોઈએ ફોન કરતાં જ નવરંગપુરા પોલીસનો સ્ટાફ હોટેલ ખાતે આવી પહોંચ્યો હતો. ત્યારે ત્રણેય શખ્સો હાજર જ મળી આવતાં તમામને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતાં. જ્યાં વિસર્જનભાઈએ આ ત્રણેય વિરૂદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી હતી.
ત્રણમાંથી એક ઈસમ પાંચ પીરની દરગાહ, વિકટોરીયા ગાર્ડન નજીક રહેતો અસલમ અહમદ હુસેન નૌસી હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે આતંકવાદી પ્રવૃત્તિઓ વધી ગયા બાદ પોલીસ તંત્ર દ્વારા બહારગામથી આવતાં શખ્સોની એન્ટ્રી ફરજીયાત કરવામાં આવી હતી.