હોટલમાં મહેફિલ માણતી બે યુવતી સહિત ૪ વિદ્યાર્થી ઝબ્બે
અમદાવાદ, વસ્ત્રાપુર પોલીસને મળેલી બાતમીના આધારે થલતેજમાં આવેલી બ્લૂમ્સ સૂટ્સ નામની હોટેલના રૂમમાં દરોડો પાડીને ૨ યુવતી તથા ૨ યુવકને બિયરની મહેફિલ માણતા ઝડપી લીધા હતા. પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા તમામ આરોપીઓ વિદ્યાર્થી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસ સૂત્રો તરફથી જાણવા મળતી માહિતી અનુસાર, વસ્ત્રાપુર પોલીસનો કાફલો પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેઓને થલતેજમાં આવેલી હોટેલ બ્લૂમ્સ સૂટ્સના નંબર ૩૦૭માં ૪ લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી મળી હતી.
પોલીસે હોટેલમાં પહોંચી દરોડા પાડતા ચાર વ્યક્તિ બિયરની મહેફિલ માણતા ઝડપાયા હતા. હોટેલના રૂમ નંબર ૩૦૭નો દરવાજાે ખખડાવતા દર્શક સુનિલભાઈ પટેલ (ઉ. ૨૧, રહે. ગાંધીનગર, મૂળ પેથાપુર)એ ખોલ્યો હતો. રૂમના બેડ પર અનમોલ કૌશલભાઈ વ્યાસ (ઉ. ૨૧, રહે. સૂર્યદીપ બંગલોઝ, થલતેજ, મૂળ લીંબડી, સુરેન્દ્રનગર), એક યુવતી (ઉ. ૨૧, રહે બોડકદેવ) અને બીજી એક યુવતી (ઉ. ૧૯, રહે પાલડી)ને પકડી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી બિયરનું ટીન પણ કબ્જે કર્યું હતું. ઝડપાયેલા તમામ આરોપીઓ અભ્યાસ કરતા હોવાનું પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.SSS