હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટર પાર્ક્સને એક વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ

ગાંધીનગર, કોરોના મહામારીને કારણે તમામ ક્ષેત્ર પ્રભાવિત થયા છે. ખાસ કરીને હોટલ ઈન્ડસ્ટ્રી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેને કારણે હોટલ-રેસ્ટોરન્ટ અને વોટર પાર્કના માલિકોને રાહત આપવા માટે ??મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુ એક મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે.
મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતમાં હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને રાહત આપતી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયેલા આ ર્નિણય અનુસાર રાજ્યમાં તારીખ ૧ એપ્રિલ ૨૦૨૧ થી ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીના એક વર્ષના સમય માટે હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.
કોર કમિટીમાં એવો પણ ર્નિણય લેવામાં આવ્યો છે કે, આવા હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને વીજ બિલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બિલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે. કોરોના સંક્રમણના આ કાળમાં મુખ્યમંત્રીએ હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને આ ર્નિણયથી મોટી આર્થિક રાહત આપી છે.
મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જામંત્રી સૌરભ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કેલાસનાથન, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ સહિત વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.
હાલ ગુજરાતમાં કોરોનાને કારણે વોટર પાર્ક બંધ છે. જ્યારે હોટેલ અને રેસ્ટોરન્ટમાં રાતના ૯ વાગ્યા સુથી ટેક અવે ફેસિલિટી અને રાતના ૧૦ વાગ્યા સુધી હોમ ડિલિવરી કરવાની છૂટ આપવામાં આવી છે. આમ હાલ હોમ ડિલિવરી અને ટેક અવે પર જ હોટેલ ઈન્ડસ્ટ્રી નભી રહી છે. ગુજરાતમાં અંદાજે ૫૦,૦૦૦ હોટલ-રેસ્ટોરન્ટ કાર્યરત છે.
જે સીધી અને આડકતરી રીતે ૧૦થી ૧૨ લાખ લોકોને રોજગારી આપી રહ્યો છે હવે હોટલ અને રેસ્ટોરન્ટમાં લોકો મોટાભાગે સાંજે જમવાનું પસંદ કરતા હોય છે, પરંતુ કોરોનાને કારણે આઠ વાગે હોટેલ અને રેસ્ટોરન્ટ બંધ કરી દેવી પડે છે. જેના કારણે ઇન્ડસ્ટ્રીને બહુ મોટુ નુકસાન થઈ રહ્યું છે.
કોરોના મહામારીને કારણે અમદાવાદમાં જ ૫૦ ટકાથી વધારે હોટેલ રેસ્ટોરેન્ટ બંધ થઇ ચૂક્યા છે. ફૂડ બિઝનેસ પડી ભાંગ્યો છે, તેમાં રાત્રે ૯ વાગ્યા પછીનો કરફ્યૂ ફૂડ ઇન્ડસ્ટ્રી માટે પડ્યા પર પાટુ સાબિત થઇ રહ્યો છે. કોરોનાને કારણે મનોરંજન પૂરુ પાડતા એમ્યુઝમેન્ટ ઉદ્યોગો વેન્ટિલેટર પર પહોંચી ગયા છે.
ઉનાળાના ચાર મહિનાની કમાણીમાંથી આખા વર્ષનો ખર્ચ કાઢતાં વોટરપાર્કનું ગયું વર્ષ લોકડાઉનમાં પસાર થયું હતું. પરંતુ આ વર્ષે પણ ઉનાળામાં જ કોરોનાની બીજી લહેર આવતા વોટરપાર્ક બે મહિનાથી બંધ છે. આમ સતત બીજા વર્ષે વોટરપાર્ક માલિકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.