હોમવર્ક નહીં કરનારા વિદ્યાર્થીને શિક્ષકે મારી-મારીને મોતને ઘાટ ઉતારી દીધો

રાજસ્થાન, સ્કૂલે જતા વિદ્યાર્થીઓ હોમવર્ક ના કરે તો શિક્ષકો તેમને સજા કરતા હોય છે. પણ રાજસ્થાનના ચુરૂ જિલ્લામાં તો એક શિક્ષકે હેવાનિયતની તમામ હદો વટાવીને હોમવર્ક નહીં કરનારા વિદ્યાર્થીને એટલો માર્યો હતો કે તેનું મોત થઈ ગયુ હતુ.
પોલીસના કહેવા પ્રમાણે ગણેશ કોલાસર નામનો 13 વર્ષનો વિદ્યાર્થી મોર્ડન પબ્લિક સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણતો હતો. ગણેશે છેલ્લા પંદર દિવસમાં ત્રણ થી ચાર વખત તેના પિતાને કહ્યુ હતુ કે, સ્કૂલમાં મનોજ નામનો શિક્ષક મને કારણ વગર મારે છે.
બુધવારે ગણેશ સ્કૂલમાં ગયો હતો અને સવારે શિક્ષક મનોજનો ગણેશના પિતા પર ફોન આવ્યો હતો કે, ગણેશે હોમવર્ક નથી કર્યુ એટલે તેને માર્યો છે અને તે બેહોશ થઈ ગયો છે. તે મરી ગયો હોવાનુ નાટક કરી રહ્યો છે.
ગણેશના પિતા ઓમપ્રકાશ અને તેમન પત્ની સ્કૂલે પહોંચ્યા ત્યારે બીજા વિદ્યાર્થીઓએ કહ્યુ હતુ કે, મનોજે ગણેશને બેરહેમીપૂર્વક માર્યો હતો અને જમીન પર પટકયો હતો. તેનાથી તે લોહીલુહાણ થઈ ગયો હતો. તેના માતા પિતા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે હવે હત્યાનો કેસ નોંધીને શિક્ષકની ધરપકડ કરી છે.