હોમવર્ક ન લાવતા શિક્ષિકાએ વિદ્યાર્થિનીને થપ્પડો મારતાં કાનનો પડદો ફાટ્યો
ગાંધીનગર, ગુજરાતમાં છાસવારે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાની અનેક ઘટનાઓ બનતી રહે છે. આવી ઘટનાઓમાં વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પણ પહોંચતી હોય છે. ત્યારે ગાંધીનગરમાં આવી જ એક ઘટના બની છે. જેમાં હોમવર્ક ન લાવનાર નવમાં ધોરણની વિદ્યાર્થિનીને થપ્પડ ચોડી દીધા હતા. જેના પગલે વિદ્યાર્થિનીના કાનનો પડદો ફાટી ગયો હતો. આ અંગે વિદ્યાર્થિનીના માતા પિતાએ સ્કૂલ તંત્રને ફરિયાદ કર્યા બાદ તંત્ર દ્વારા કોઈ પગલના ન તેલાં પોલીસ ફરિયાદ કરી છે.
મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરમાં સેક્ટર 28માં આવેલી વસંતકુવરબા એન સોલંકી હાઈસ્કૂલમાં પારુલ પટેલ નામની મહિલા પ્રવાસી શિક્ષિકા ફરજ બજાવતી હતી. આ શિક્ષિકાએ થોડા દિવસ પહેલા ધોરણ નવની એક વિદ્યાર્થિનીને ઊભી કરી હતી. અને તેમણે આપેલા હોમવર્ક અંગે પૂછ્યું હતું. જોકે, વિદ્યાર્થિની હોમવર્ક લાવી ન હોવાની કબૂલાત કરી હતી.
જેના પગલે ઉશ્કેરાયેલી શિક્ષિકાએ વિદ્યાર્થિનીને બે ત્રણ થપ્પડ ચોડી દીધા હતા. જેના પગલે વિદ્યાર્થિનીને ચક્કર આવ્યા હતા. અન્ય એક શિક્ષકે વિદ્યાર્થિનીને રૂમમાં બેસાડી હતી. પરંતુ તેના કાનમાંથી લોહી આવતા તેને સારવાર માટે મોકલી હતી.
વિદ્યાર્થિનીના માતા-પિતાના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થિની હોમવર્ક ન લાવી હોવાથી શિક્ષિકાએ (lady Teacher) તેની પુત્રીને કાન ઉપર થપ્પડ માર્યા હતા. વિદ્યાર્થિનીએ દુઃખાવાનું કહેવા શિક્ષિકાએ ફરીથી બે થપ્પડ ચોડી દીધા હતા. જેથી તેને ચક્કર આવ્યા હતા. આમ તેના કાનના ભાગમાંથી લોહી આવવા લાગ્યું હતું.
વિદ્યાર્થિનીને સારવાર માટે લઈ જતાં તેનો કાનનો પડદો ફાટી ગયો હોવાનું તબીબે જણાવ્યું હતું. આમ માતા પિતા આ અંગે ફરિયાદ કરવા માટે સ્કૂલ પહોંચ્યા હતા. જ્યાં સ્કૂલતંત્રએ શિક્ષિકાનો બચાવ કર્યો હતો. અને કોઈ પગલાં ભર્યા ન્હોતા. છેવટે વિદ્યાર્થિનીના માતા-પિતાએ શિક્ષિકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારબાદ સામે સ્કૂલ તંત્રએ આકરાં પગલા લીધા હતા.
સ્કૂલના પ્રિન્સિપલા જણાવ્યા પ્રમાણે શિક્ષિકા ઘટના બાદ અગાઉથી મંજૂર કરેલી રજાઓ ઉપર હતી અને ત્યારબાદ તે સ્કૂલમાં આવ્યા નથી. આમ તેમને કારણ દર્શક નોટિસ પણ મોકલી છે. અને શિક્ષિકાને તાત્કાલિક અસરથી છૂટા પણ કરવામાં આવ્યા છે.