હોમ ક્વૉરન્ટીન થયેલા ઘરોમાં નિઃશુલ્ક ભોજન સેવા
રાજપીપળા: હાલ ગુજરાતના દરેક વિસ્તારમાં કોરોનાનો કહેર વ્યાપી ગયો છે. ત્યારે આમાંથી નર્મદા જિલ્લાનું રાજપીપળા પણ બાકી નથી રહ્યું. રાજપીપળામાં પણ આખેઆખા પરિવારને કોરોના સંક્રમણ થતા હોમ આઇસોલેશનમાં રહેવાની ફરજ પડે છે. ત્યારે તેમને જમવાનું પહોંચાડવાનું ભગીરથ કામ એક પરિવાર કરી રહ્યો છે. જ્યારથી કોરોના શરૂ થયો છે ત્યારથી એક પરિવાર આખા રાજપીપલા શહેરમાં જ્યાં પણ જરૂર હોય ત્યાં પોતના જ વાહન મારફતે નિઃશુલ્ક ભોજન સેવા કરી રહ્યું છે.
આ પરિવારની આ માનવીય લોક સેવા કાબિલે તારીફ કહી શકાય. રાજપીપળા સહિત જિલ્લામાં વધતા કોરોનાના કેસોમાં દર્દીઓ હોમ ક્વૉરન્ટીન થયા છે. તેવા ૨૫૦ દર્દીઓને સવાર-સાંજનું ભોજન આ પરિવાર દ્વારા આપવામાં આવે છે. આ પરિવાર તમામ લોકોને જમાડ્યા બાદ જ પરિવાર જમે છે. પરિવારના તમામ સદસ્યો ભેગા મળીને ભોજન બનાવે છે. આ પરિવાર ઉપર ફોન આવે ત્યાં આ પરિવાર પાર્સલ પહોંચતું કરે છે આ પરિવારે વોટ્સએપમાં મેસેજ મોકલ્યો હતો. જેના થકી કોરોનાગ્રસ્ત પરિવારના લોકો ભોજન માટેના ઘણાના ફોન આવે છે.
એ દરેકનું સરનામું લઇ આ પરિવાર જમવાનું પૂરું પાડે છે. જેમાં ગરમાગરમ દાળ ભાત શાક રોટલી કચુંબર જેવું શુદ્ધ સાત્વિક ભોજન પહોંચાડવામાં આવે છે. આ પરિવારને કોઈ આર્થિક મદદ મળે કે ના મળે પરંતુ આ સેવા ચાલુ રાખી છે. આ પરિવાર પોતાની ફોન સેવા ૨૪ કલાક ચાલુ રાખે છે. ઘણીવાર તો રાત્રે મોડા ફોન આવે તો પણ તેઓ રાત્રે જમવાનું બનાવીને પણ મોકલે છે. આ ભોજન યજ્ઞની પ્રેરણા તેમને પોતાના પૂર્વજાે પાસેથી મળી છે જેને હાલ કાર્યરત રાખી છે.