હોલિવૂડ એક્ટર ટૉમ ક્રૂઝની બર્મિંગહામથી કાર ચોરાઈ
લંડન, હોલિવૂડના લોકપ્રિય સુપરસ્ટાર ટૉમ ક્રૂઝ અત્યારે પોતાની આગામી ફિલ્મ મિશન ઈમ્પોસિબલ ૭ માટે યુનાઈટેડ કિંગ્ડમમાં શૂટિંગ કરી રહ્યા છે. આ શૂટિંગ દરમિયાન ચોરોએ ટૉમ ક્રૂઝની લક્ઝરી કાર ચોરી લીધી. જાે કે, પછીથી પોલીસે આ કાર શોધી કાઢી હતી. રિપોર્ટ્સ અનુસાર, ટૉમ બર્મિંગ્હમમાં આ કાર લઈને ફરી રહ્યા હતા અને તે જ સમયે કાર ચોરી થઈ ગઈ હતી. ચોરી થઈ ત્યારે કારમાં ટૉમનો સામાન પણ પડ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ટૉમની કારમાં ઈલેક્ટ્રોનિક ટ્રેકિંગ ડિવાઈસ મુકવામાં આવી હતી. માટે પોલીસે ગણતરીની મિનિટોમાં કાર શોધી કાઢી. જાે કે, કારમાં પડેલો ટોમ ક્રૂઝનો સામાન ચોર લઈ ગયા. ટોમ ક્રૂઝની સુરક્ષા કરી રહેલી ટીમ માટે આ ઘટના ઘણી શરમજનક સાબિત થઈ. ચોરોએ કારના કીલેસ ઈગ્નિશનના સિગ્નલને ક્લોન કરવા માટે ઉચ્ચ કક્ષાની ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો.
પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, અમને જાણકારી મળી કે મંગળવારની સવારે બર્મિંગ્હમના ચર્ચ સ્ટ્રીટ વિસ્તારમાં એક બીએમડબલ્યુ એક્સ૭ કાર ચોરી કરવામાં આવી છે. કારને થોડા સમય પછી જ રિકવર કરી લેવામાં આવી હતી. અત્યારે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને તે વિસ્તારના સીસીટીવી ફૂટેજની મદદથી ચોઅરોની ઓળખ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ટૉમ ક્રૂઝ પાછલા થોડા દિવસથી પોતાની ફિલ્મના શૂટિંગ માટે યુકેમાં છે. તેમણે બોલિવૂડના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેની રેસ્ટોરાંમાં ભોજન લીધુ હતું. ટોમ ક્રૂઝે આશાઝ નામની આ રેસ્ટોરાંમાં ચિકન ટિક્કા ઓર્ડર કર્યા હતા. ટોમ ક્રૂઝને ચિકન ટિક્કા એટલા પસંદ આવ્યા હતા કે તેમણે બે વાર ઓર્ડર આપ્યો હતો. ટોમ ક્રૂઝે આ રેસ્ટોરન્ટની બહાર સ્ટાફ સાથે ફોટો પણ પડાવ્યો હતો.
આશા ભોંસલેએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ મુકીને આ બાબતે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યુ હતું કે, ટોમ ક્રૂઝ ફરીથી તેમના રેસ્ટોરન્ટની મુલાકાત લે તે માટે તે આતુર છે. નોંધનીય છે કે કોરોના મહામારીને કારણે મિશન ઈમ્પોસિબલ ૭ના શૂટિંગમાં વિલંબ થયો છે. આ સીરિઝ ઘણી જ લોકપ્રિય છે. ૫૯ વર્ષીય વયે પણ ટોમ ક્રૂઝ મોટા ભાગના સ્ટન્ટ જાતે જ કરે છે.SSS