હોળીની રજામાં હવાઈ ભાડામાં ૩૨૦ ટકાનો તોતિંગ વધારો થયો
અમદાવાદ, વીક-એન્ડની રજાઓ હોય કે મિનિ વેકેશન, હરવાફરવાના શોખની બાબતમાં ગુજરાતીઓને કોઈ ન પહોંચી શકે. હોળી-ધૂળેટીનો તહેવાર નજીક આવી ગયો છે તે સાથે ગુજરાતીઓએ ફરવાની યોજના તૈયાર કરી લીધી છે જેના કારણે હવાઈભાડામાં જાેરદાર ઉછાળો આવ્યો છે. ગુજરાતીઓ હોળીની રજાઓમાં ફરવા જવા માટે રાજસ્થાન, ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યો પસંદ કરે છે તેથી અમદાવાદથી મહત્ત્વના શહેરોની ફ્લાઈટના ભાડાઉછળ્યા છે અને અમુક કેસમાં ટિકિટનો દર ૩૨૦ ટકા જેટલો વધી ગયો છે.
ટ્રાવેલ ઉદ્યોગના જાણકારોનું કહેવું છે કે દર વખતની જેમ આ વખતે પણ ગુજરાતીઓ હોળીની રજાઓમાં જાેધપુર, જયપુર, દહેરાદૂન અને ગોવા પસંદ કરી રહ્યા છે. તેમાંથી અમુક શહેરો માટે ફ્લાઈટની સંખ્યા ઓછી હોવાથી એરફેરમાં ઉછાળો આવ્યો છે.
ઉદાહરણ તરીકે તમારે મસૂરી જવું હોય તો દહેરાદૂનની રાઉન્ડ ટ્રિપનું ભાડું વ્યક્તિદીઠ રૂ. ૨૬,૬૩૭માં પડશે. સામાન્ય દિવસોમાં આ ભાડું રૂ. ૭૦૦૦ જેટલું હોય છે. તેવી જ રીતે જાેધપુરની રાઉન્ડટ્રિપની ટિકિટ રૂ. ૩૫,૭૯૧, ગોવા માટે રૂ. ૨૬૬૦૦, ચંદીગઢ માટે રૂ. ૨૯૦૭૨ અને જયપુર માટે રૂ. ૨૦,૦૦૦માં પડે છે. દિલ્હીની રાઉન્ડટ્રિપ માટે એરફેર રૂ. ૧૫,૦૦૦ ચાલે છે.
ઓપરેટર્સ અને ટ્રાવેલ પોર્ટલના ડેટા મુજબ દિલ્હી, ગોવા, જાેધપુર, દહેરાદૂન, ચંદીગઢ અને જયપુર માટે રાઉન્ડટ્રિપ એરફેરમાં ૧૦૦ ટકાથી ૩૨૦ ટકા સુધીનો વધારો થયો છે.
ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીએએફઆઈ)ના ચેરમેન મનીષ શર્માએ જણાવ્યું કે અમદાવાદના એસવીપીઆઈ એરપોર્ટ પર રનવેના રિસરફેસિંગની કામગીરી ચાલુ હોવાથી મોટા ભાગની ફ્લાઈટ સવારના ૯ વાગ્યા પહેલાં અથવા સાંજે ૬ વાગ્યા પછી ઓપરેટ થાય છે. આ પિક અવર્સની ફલાઈટ કહેવાય જે મોંઘી હોય છે. અમદાવાદ એરપોર્ટ પરથી રોજની ૨૦૦થી વધુ ફ્લાઈટ ઓપરેટ થતી હતી તેના બદલે અત્યારે માંડ ૧૪૦ ફ્લાઈટ ઓપરેટ થાય છે.
શર્માએ કહ્યું કે તહેવારોના દિવસો માટે ફ્લાઈટ ટિકિટની માંગ વધી જાય છે અને ડાયનેમિક પ્રાઇસિંગ પોલિસીના કારણે એરફેરમાં જાેરદાર વધારો થતો હોય છે. ગુજરાતીઓના કારણે માત્ર હવાઈભાડા જ નહીં પણ હોટેલના ભાડા પણ વધી ગયા છે.
અત્યારે મોટા ભાગની સારી હોટેલો બૂક થઈ ગઈ છે અને ભાડા વધી ગયા છે છતાં હોટેલ બૂકિંગ માટે ઇન્કવાયરી આવી રહી છે. લાંબા વીકએન્ડ માટે દુબઈ સૌથી ફેવરિટ ઇન્ટરનેશનલ સ્થળ છે અને તેના ભાડાં ડબલ થઈ ગયા છે તેમ ટ્રાવેલ એજન્ટ્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાન (ટીએએઆઈ)ના ચેરમેન વિરેન્દ્ર શાહે જણાવ્યું હતું.SSS