હોળીમાં હવે લાકડાં નહીં પણ ગૌ-કાસ્ટની બોલબાલા વધી
અમદાવાદ, આજે ફાગણ શુક્લ પૂર્ણિમાના દિવસે હોલિકાદહનનો ઉત્સવ અમદાવાદ સહિત સમગ્ર ભારતમાં હર્ષાેલ્લાસપૂર્વક અને ઉમંગભેર ઊજવાશે.
હોળીના પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સોસાયટીઓ સહિત તમામ સ્થળે હોળી પર્વને ઊજવવા માટેની તૈયારીઓ પુરજાેશમાં શરૂ થઈ ચૂકી છે, જાે કે પર્યાવરણલક્ષી એવી વૈદિક હોળી ઊજવવા માટેના ટ્રેન્ડમાં વધારો થયો છે. શહેરમાં તરછોડાયેલી ગાય સહિતની ગાયના છાણમાંથી બનતાં ગૌ-કાષ્ટની માગ અને બોલબાલા વધી છે.
દર વર્ષે હોળીના પર્વમાં લાકડાં બાળવામાં આવે છે, જાેકે આ વર્ષે પર્યાવરણને પ્રદૂષણમુક્ત રાખવા માટે ગાયના ગોબરમાંથી બનતી સ્ટિક વધુને વધુ ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આ વર્ષે શહેરમાં ૧૦૦થી ૧૧૦ ટન જેટલી ગોબર સ્ટિક બનાવવામાં આવી છે. લોકો ગોબર સ્ટિક તરફ વળે તે માટે આ વર્ષે સોશિયલ મીડિયાનો પણ ભરપૂર ઉપયોગ લોકોને જાગૃત કરવા માટે થઈ રહ્યો છે.
ગાયનાં છાણાંનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી છાણ અને વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી ગૌ-કાષ્ટ બનાવવામાં આવે છે. લોકો લાકડાના બદલે ગૌ-કાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરી શકે અને હજારો વૃક્ષોને કપાતાં બચાવી શકાય એ હેતુથી ફરી વખત વૈદિક હોળીનો વ્યાપ વધી રહ્યો છે. ગૌ-કાષ્ટની કિંમત અંદાજે રૂા.૧૫ પ્રતિકિલો છે.