હોળી-ધુળેટી કરવા રાજસ્થાનની બીજુડા ગેંગનો ઘરફોડ ચોર રાજસ્થાન વતનમાં પહોંચ્યો
અરવલ્લી પેરોલ ફર્લો ટીમે રાત્રે ઉંઘતો દબોચી લીધો
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી, સાબરકાંઠા મહેસાણા અને ગાંધીનગર જીલ્લામાં વર્ષોથી ધાડ, લૂંટ, ઘરફોડ, મંદિર ચોરી, બાઈક ચોરીના આચરનાર રાજસ્થાનની બીજુડા ગેંગના મુખ્ય સૂત્રધાર જીતેંદ્ર ઉર્ફ કાળીયો ઉર્ફ લાલો મોગજીભાઇ મંગળાજી ડામોર હોળી-ધુળેટી કરવા રાજસ્થાન તેના વતનમાં આવ્યો હોવાની બાતમી અરવલ્લી પેરોલ ફર્લો ટીમે વીંછીવાડાના ધામોદ ગામે તેના ઘરે રાત્રીના ૨ વાગે ત્રાટકી ઉંઘતો જ ઝડપી લેતા જીતેન્દ્ર ડામોરના મોતિયા મરી ગયા હતા ગુજરાત અને રાજસ્થાનમાં ૧૫ થી વધુ ઘરફોડ ચોરીના મુખ્ય સૂત્રધાર જીતેન્દ્ર ડામોરની ધરપકડ કરી હોળી-ધુળેટી રમવાના સ્વપ્ન પર પાણી ફેરવી નાખ્યું હતું
અરવલ્લી સહીત ગુજરાતમાં ઘરફોડ ચોરી અને મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર કુખ્યાત બીજુંડા ગેંગના આરોપીઓને પકડવા જતી પોલીસ પહોંચે ત્યારે આરોપીઓ તેમના રહેણાંક સ્થળોની ભૌલિક સ્થિતિનો ફાયદો ઉઠાવી ફરાર થઈ જતા રાજ્યની પોલીસને અનેકવાર ધરમધક્કા ખાવા પડ્યા છે અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળઅરવલ્લી પેરોલ ફર્લો ટીમના પીએસઆઇ કે.એસ.સીસોદીયા અને તેમની ટીમે રાજસ્થાનમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા ધામાં નાખ્યા હતા વીંછીવાડા વિસ્તારમાં તપાસમાં હતા ત્યારે બીજુડા ગેંગનો મુખ્ય સૂત્રધાર જીતેંદ્ર ઉર્ફ કાળીયો ઉર્ફ લાલો મોગજીભાઇ મંગળાજી ડામોર હોળી-ધુળેટી કરવા રાજસ્થાન તેના વતનમાં આવ્યો છે
બાતમી મળતા પેરોલ ફર્લો ટીમે જીતેન્દ્ર ઉર્ફે કાળીયો ડામોરને ઝડપી પાડવા માટે રાત્રીનો સમય નક્કી કરી મોડી રાત્રે ૨ વાગ્યાના સુમારે પીએસઆઈ કે.એસ.સીસોદીયાની આગેવાની હેઠળ જીવના જોખમે ઘરફોડ ચોરી કરતી ગેંગની મોડસ ઓપરેન્ડીસ માફક ઉંઘતો રાખી દબોચી લીધો હતો અને ૧૫ થી વધુના ગુન્હાના આરોપી અને વર્ષ-૨૧૦૯માં ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચપ્પુની અણીએ લૂંટમાં ફરાર હોવાથી જીતેન્દ્ર ઉર્ફે કાળીયા ડામોરને ભિલોડા પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી