હોળી-ધુળેટી પર્વને લઈને લોકોમાં ભારે ઉત્સાહ: રસ્તાઓ સૂમસામ
(પ્રતિનિધિ) અમદાવાદ, હોળી-ધૂળેટીના પર્વને કારણે શહેરના રસ્તાઓ પરથી ટ્રાફિક અદ્રશ્ય થઈ ગયેલો જાેવા મળ્યો હતો. એક તરફ મોટી સંખ્યામાં નાગરિકો ફાગણી પૂનમ હોવાથી ડાકોર-શામળાજી-દ્વારકા ભગવાનના દર્શનાર્થે પહોંચી જતા જાણે કે અમદાવાદ ખાલી થઈ ગયું છે.
બીજી તરફ હોળી-ધૂળેટી તહેવારને મનાવવા પરપ્રાંતિય લોકો ગામ જતા રહેતા રસ્તાઓ પર લારીઓ- રેંકડીઓ ઓછી થઈ ગઈ છે ઓવરઓલ ટ્રાફિકથી ધમધમતા શહેરના માર્ગો સુના થઈ ગયા છે.
સી.જી.રોડ પર તો બપોરના ૧ર વાગ્યાની આસપાસ નહિવત ટ્રાફિક જાેઈને આશ્ચર્ય થતુ હતું લોકોને પણ જાણે કે બે દિવસની રજા મળી જતા રાહત મળી છે કારણ કે અમદાવાદમાં ૪૧ ડીગ્રી જેટલી કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે તેને લઈને નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે ગુરુવાર- શુક્રવાર બે દિવસ રજાનું વાતાવરણ જાેવા મળશે. ખાનગી ઓફિસો ભલે ચાલુ હોય પણ ત્યાંય સુસ્તીભર્યુ વાતાવરણ જાેવા મળી રહયુ છે.
શો રૂમો- દુકાનો દિવસના ખાલીખમ જાેવા મળતી હતી. જાેકે શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ હોળી રમવાની મજા માણી હતી. મિત્રો એકબીજાને ગુલાલથી રંગતા ઠેર-ઠેર નજરે પડતા હતા. કોલેજાેની અંદર હોળીનો માહોલ જામેલો જાેવા મળતો હતો. ગુલાલથી રંગાયેલા યુવક-યુવતીઓ રસ્તાઓ પર જાેવા મળતા હતા તો સોસાયટી- ફલેટોમાં સવારથી જ બાળકો પોતાની મનગમતી પીચકારીથી એકબીજાને રંગતા હતા.
ધૂળેટીના દિવસે મોટા લોકો હોળી રમતા હોય છે તો ફાર્મ હાઉસો- કલબોમાં હોળી-ધૂળેટી પર્વની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં ડી.જે.ના તાલે રેઈન ડાન્સની સાથે ફુડ સ્ટોલ રાખવામાં આવ્યા છે જેથી લોકો ઉત્સવની ઉજવણી ખૂબજ ખુશીપૂર્વક કરી શકે ધૂળેટી પર સોસાયટી- ફલેટોની સાથે ખાનગી પાર્ટી પ્લોટ, કલબોમાં ધૂમધામપૂર્વક પર્વ મનાવવામાં આવશે.
છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે હોળી-ધૂળેટી પર્વની ઉજવણી ફિક્કી પડી ગઈ હતી પરંતુ આ વર્ષે કોરોનાના કેસો સાવ ઘટી જતા નાગરિકોમાં તહેવારને લઈને ભારે ઉત્સાહ-ઉમંગ જાેવા મળી રહયો છે.