પારેખ્સ હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટતાં દર્દીઓને સિવિલમાં ખસેડ્યા

અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અનેક વખત વિવાદમાં આવી ચૂક્યું છે. હવે ફરીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવાદમાં સપડાયું હોય તેમ લાગી રહ્યું છે. શ્યામલ ચાર રસ્તા નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં ગુરુવારે મોડી સાંજે ૭ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓને સોલા સિવિલ હૉસ્પિટલમાં ખસેડવા માટેની જાણ કરતાં જ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પરિવારજનો આરોપ છે કે હૉસ્પિટલના સત્તાધીશોઓ અમને ફોન કરીને જાણ કરી હતી કે હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી ગયો હોવાથી તેમના સગાને અન્ય હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવા પડશે. દર્દીના પરિવારજનો કહેવું છે કે હૉસ્પિટલમાં ઓક્સિજન પુરતા પ્રમાણમાં આવતો ન હોવાને કારણે તેઓ આ પગલું ભરી રહ્યા છે.
આ અંગે હોસ્પિટલના સત્તાધીશો કેમેરા સામે કશું જ કહેવાનું ઇન્કાર કરી રહ્યા છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીનું કહેવું છે કે પારેખ્સ હૉસ્પિટલ કોસ્મિક એજન્સી પાસેથી મેડિકલ ઓક્સિજન મેળવે છે. આ એક પ્રાઈવેટ એજન્સી છે.
આ એજન્સી હૉસ્પિટલને પુરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવા માટે સક્ષમ ન હોવાથી આ દર્દીઓને સોલા સિવિલ હૉસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે. હૉસ્પિટલો સાથે કરવામાં આવતા એમઓયુ પ્રમાણે લોજિસ્ટિક સપોર્ટ, દવાઓ, ફૂડ, ઓક્સિજન વગેરે હૉસ્પિટલ દ્વારા જ આપવાના થાય છે.
છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સતત આ પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે અને ઓક્સિજનના સપ્લાયર અને પ્રોડ્યુસરના સંપર્કમાં પણ છે. આ ઉપરાંત ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. અહીં સવાલ એ ઊભો થાય છે કે ઓક્સિજનની અછતના કારણે કોઈ દર્દીને તકલીફનો સામનો કરવો પડ્યો હોય તો તેના માટે જવાબદારી કોની?