હોસ્પિટલમાં ઓમિક્રોનના ૨૦માંથી ૧૦ દર્દી સાજા થયા
નવી દિલ્હી, કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને કારણે દુનિયાભરમાં ફફડાટ મચી ગયો છે. સરકારો સતર્ક થઈ ગઈ છે અને આ વેરિયન્ટ વધારે ફેલાય નહીં તે માટેના પગલા લઈ રહી છે. આ દરમિયાન લોકોમાં પણ ડરનો માહોલ છે, તે સ્થિતિમાં દિલ્હીની એલએનજેપી હોસ્પિટલથી એક રાહતના સમાચાર સામે આવ્યા છે.
અહીં દાખલ કરવામાં આવેલા ૨૦માંથી ૧૦ દર્દીઓ સાજા થઈ ગયા છે. મોટાભાગના દર્દીઓમાં એક પણ લક્ષણ જાેવા નથી મળ્યું. તેમને દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ સારવારની પણ જરુર નથી. કોઈ પણ દવા વિના તેઓ સારા થઈને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ રહ્યા છે. આટલુ જ નહીં, અત્યારે પણ જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, તેમનામાં એક પણ લક્ષણ નથી. સૌથી મોટી રાહતની વાત એ છે કે એક પણ દર્દીને ઓક્સિજન સપોર્ટની જરુર નથી પડી.
એલએનજેપીના ડિરેક્ટર ડોક્ટર સુરેશ કુમારે આ બાબતે વાત કરતાં જણાવ્યું કે, ૧૦માંથી સાત દર્દી અસિમ્ટોમેટિક હતા. તેમનામાં એક પણ લક્ષણ નહોતું. બે દર્દીને તાવ હતો અને એક દર્દીને લૂઝ મોશન. આ દર્દીઓને સામાન્ય તાવ અને લૂઝ મોશનની દવા આપવામાં આવી હતી. આ સિવાય તેમને મલ્ટીવિટામિન આપવામાં આવ્યા. આ રીતે ત્રણેય દર્દી સાજા થઈ ગયા. બાકી સાત દર્દીઓને કોઈ દવાની જરુર નહોતી પડી. તે કોઈ પણ સારવાર વિના નેગેટિવ થઈ ગયા અને હોસ્પિટલમાંથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. એક પણ દર્દીને ઓક્સિજન સપોર્ટની જરુર નથી પડી. સ્થિતિ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે.
ડોક્ટર સુરેશે જણાવ્યું કે, ઓમિક્રોન માટે હોસ્પિટલમાં ૪૦ પથારીઓ હતી, જે વધીને ૧૦૦ કરી દેવામાં આવી છે. સ્ટાફને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે. તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. દિવસ-રાત અમારી ટીમ દર્દીઓની સેવા કરી રહી છે. ડોક્ટર, નર્સ, બાકી સ્ટાફ સતત કામ કરી રહ્યા છે. વિદેશથી દર્દીઓ આવી રહ્યા છે.
દેશમાં કોરોનાના વેરિયન્ટ ઓમિક્રોનને લઈને સતર્ક રહેવા માટે સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે. આ દરમિયાન, શુક્રવારે દિલ્હીમાં નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડૉ. વી.કે. પૉલે ચેતવણી આપી હતી કે જાે યુકેની જેમ ભારતમાં ઓમિક્રોનના કેસ વધે તો અહીં દરરોજ ચેપના ૧૪ લાખ કેસ નોંધાઈ શકે છે. તેમણે કહ્યું કે યુરોપના દેશો વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ૮૦ ટકા રસીકરણ થયું હોવા છતાં ત્યાં આવું થઈ રહ્યું છે.
દેશમાં ઓમિક્રોનથી ચેપની ઝડપી ગતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે લોકોને બિન-જરૂરી મુસાફરી અને સામૂહિક મેળાવડા ટાળવા અને નવા વર્ષની મોટા પાયે ઉજવણી ન કરવાની સલાહ આપી છે. કર્ણાટકમાં પ્રથમ કેસ નોંધાયાના માત્ર ૧૫ દિવસ પછી ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોન કેસની સંખ્યા વધીને ૧૧૧ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૪૦ અને દિલ્હીમાં ૨૨ થઈ ગઈ છે. તેલંગાણા અને કેરળમાંથી બે-બે વધુ કેસના આગમન સાથે ચેપગ્રસ્તોની સંખ્યા અનુક્રમે આઠ અને સાત થઈ ગઈ છે.SSS