Western Times News

Gujarati News

હોસ્પિટલમાં કોરોનામાં ત્રણ વર્ષની બાળકીનું મોત નીપજતાં હોબાળો

પ્રતિકાત્મક

બાળકીનો મૃતદેહ વતન લઈ જવાના મામલે પરિવારજનોએ હોસ્પિટલ માથે લીધી

વડોદરા, વડોદરામાં ચોવીસ કલાકમાં નવા ૩રપપ કેસ નોંધાયા છે, જેના પગલે અત્યાર સુધીનો કોરોનાના કેસ એક લાખને પાર કરીને કુલ આંક ૧૦૩૦૦૦ પર પહોંચ્યો છે. વડોદરાના ગોત્રી હોસ્પિટલમાં સોમવારે સવારે એક ત્રણ વર્ષની બાળકીનું કોરોનાના કારણે મોત નીપજયું હોવાનો કિસ્સો બન્યો હતો.

પરિવારજનોએ તેનો મૃતદેહ લઈને વતન જવાની જીદ પકડીને હોબાળો મચાવ્યો હતો. તબીબો દ્વારા ભારે સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો. અલબત્ત છેલ્લા ચોવીસ કલાકમાં બે વ્યક્તિઓના કોરોનાના કારણે મોત નીપજયા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

વડોદરામાં મજૂરી કરવા માટે સૌરાષ્ટ્રનો શ્રમજીવી પરિવાર આવ્યો હતો. સુભાનપુરાના હરિઓમનગર નજીક રહેતા આ શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની દીકરીની મોડી રાત્રે તબિયત બગડતા તેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. કોરોના પોઝીટીવ આવેલી બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

પરિવારે મૃતક બાળકીને વતનમાં લઈ જવાની જીદ પકડી હતી અને દીકરીના મોત માટે હોસ્પિટલને જવાબદાર ઠેરવી નારાજગી વ્યકત કરી હતી. પરિવારના વાલીબેને જણાવ્યું હતું કે દીકરી રાત્રે ૧૦ વાગ્યા સુધી મોબાઈલ ફોનમાં રમતી હતી દરમિયાન એકાએક તેને તાવ ચઢતા બેભાન થઈ ગઈ હતી. તરત જ તેને ગોત્રી હોસ્પિટલમાં લઈને આવી હતી અને સવારે ડોકટરોએ કોરોના થતાં મોત નીપજયું હોવાનું જણાવ્યું હતું જે અમારા માનવામાં આવતું નથી.

ગોત્રી હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. હિતેશ રાઠોડે જણાવ્યું હતું કે બાળકી માલન્યુટ્રિશન (કુપોષણ) જેવી બીમારીથી પીડિત હતી, જેમાં કોરોના પોઝિટિવ આવતા તેનું મોત નીપજયું હતું પરિવાર અશિક્ષિત હોવાને કારણે તેઓ મૃતક દીકરીની અંતિમવિધિ માટે તેનો મૃતદેહ વતનમાં લઈ જવા માગતા હતા.

પરંતુ કોવિડની ગાઈડલાઈન્સ મુજબ આપી શકાય નહી, જેથી પરિવારને સમજાવી મૃતક બાળકીની દફનવિધિ કોવિડ ગાઈડલાઈન્સ મુજબ પીપીઈ કીટથી પેક કરી ગોત્રી સ્મશાનમાં કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.