હોસ્પિટલે રાતોરાત રસ્તા વચ્ચે ચણતર કરી દબાણ કરી દેતાં નડિયાદ પાલિકાની ટીમે તોડી પાડ્યું

નડિયાદ રબારીવાસ વિસ્તારમાં આવેલ હિદાંશ હોસ્પિટલના ડોકટરે હોસ્પિટલની બહાર પ્રજાનાઅવરજવરના રસ્તાને દબાવીને ચણતર કામ કરી દબાણ કરતાં ગઈકાલથી આ દબાણનો પ્રશ્ન ચર્ચાએ ચડ્યો હતો . ગઈકાલે સ્થાનિકોએ હોહાપો કરતાં કામ બંધ થઈ ગયું હતું . જો કે ડોકટર દ્વારા રાત્રી દરમિયાન કામ ચાલુ કરાવી દબાણ કરી દીધું હતું .
જેને આજે નગરપાલિકાએ જેસીબી મશીન કામે લગાડી તોડી પાડ્યું છે . પાલિકાની ટીમ દબાણ હટાવવા ગઈ ત્યારે ડોકટર હોસ્પિટલમાંથી ચાલ્યાં ગયાં હોવાનું પણ જાણવા મળે છે . નડિયાદના રબારીવાસ પાસે રોડની સાઈડહિદાંશ હોસ્પિટલ આવેલી છે . આ હોસ્પિટલના ડોકટરે પોતાની હોસ્પિટલની બહાર ક્યાં કાંસ પસાર થાય છે તે કાંસને પોતાની હોસ્પિટલમાં સમાવેશ કરવાના હેતુસર કવર કરી ચણતર કામ તેમજ ઓટલો બનાવવાનું ગઈકાલે શરૂ કર્યું હતું . પ્રજાને જવા આવવાના રસ્તા પર આચણતર કામ શરૂ થતાં ગઈકાલે સ્થાનિકોએ કામ અટકાવવા કામગીરી કરી હતી .
પ્રજાના હોબાળાને લઈ ડોકટરે કામ અટકાવી દીધું હતું . આની જાણપ્રજાએ પાલિકામાં પણ કરી હતી . જો કે કામ અટકી જતાં પાલિકાએ હાશ અનુભવી હતી . જો કે રાત્રી દરમિયાન ડોકટરે કામગીરી શરૂ કરી હતી . અને રાતોરાત દિવાલ ચણી નાંખી હતી . તેમજ ઓટલો પણ ચણી નાંખ્યો હતો . સવારે આની જાણ આ વિસ્તારની પ્રજાને થતાં તેમણે નગરપાલિકાને જાણ કરી હતી . જેથી પાલિકાના સત્તાધીશો , કારોબારી સભ્ય મનીષભાઈ , પ્રમુખ , ઉપપ્રમુખ , પાલિકાના ચીફ ઓફિસર તેમજ દબાણ હટાવો ટીમ સ્થળ પર પહોંચી હતી . આ દબાણ હટાવો ટીમ પહોંચી તે વખતે હોસ્પિટલના ડોકટર હાજર ન હતાં .
તેમને ફોનથી સંપર્ક કરતાં પોતે બહાર હોવાનું જણાવ્યું હતું . પાલિકાની ટીમે માપણી કરી જે ભાગ દબાણમાં આવતું હતું તે ભાગને તોડી પાડ્યું હતું . જેસીબી મશીન લગાવી આજે દબાણ હટાવી દીધું હતું . રાતોરાત ચણેલી દિવાલ તેમજ ઓટલો પણ તોડી પાડી રસ્તો ખુલ્લો કરી દીધો હતો . જેને લઈ પ્રજામાં હાશ થઈ હતી. (તસવીર સાજીદ સૈયદ નડિયાદ )