હોસ્પિટલોમાં લાઇનો ઘટી, સુરતમાં સ્મશાનો ખાલીખમ
અમદાવાદ: ગુજરાતમાં દિવાળી બાદ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું હતું. સતત દરરોજ કેસમાં રેકોર્ડબ્રેક કેસોનો વધારો નોંધાતો હતો. એમાં પણ ખાસકરીને ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોનાના કેસ સૌથી વધુ છે. ત્યારે છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના કેસમાં ઘટાડો જાેવા મળ્યો છે. જેના પરિણામ સ્વરૂપે ડ્રાઇવ થ્રુ કોવિડ ટેસ્ટ માટેની લાઈનમાં પણ મોટો ઘટાડો થયો છે. એક સમયે ૫ થી ૭ હજાર લોકો ટેસ્ટ કરાવવા માટે આવતા હતા,
જે હાલમાં દૈનિક ૫૦૦ થી ૭૦૦ લોકો ટેસ્ટ માટે આવી રહ્યા છે. તેમજ ધનવંતરી કોવિડ હોસ્પિટલની બહાર નહીવત ભીડ જાેવા મળી રહી છે. ગણતરીના લોકો જ હોસ્પિટલની બહાર જાેવા મળી રહ્યા છે. આજે આઇસીયુ વગરના ૨૫ બેડ ઉપલબ્ધ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. અત્યારે ૯૦૦ બેડની હોસ્પિટલની અંદર ૫૬૦ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તો આ તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારોની નવી યાદી બહાર પાડવામાં આવી છે.
જેમાં અમદાવાદના ૧૪ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે. કોરોનાના કેસ ઘટવાની સાથે-સાથે માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો છે. જાે સુરત શહેરની વાત કરવામાં આવે તો ગતરોજ માત્ર ૯ દર્દીઓના મોત થયા હતા. અને કોરોના સંક્રમિતોની સંખ્યા પણ ઘટાડો નોંધાયો છે. કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સ્મશાનમાં પહેલાં ૧૨ કલાક જેટલું વેઇટિંગ હતું જે હવે માત્ર ૧ કલાકમાં નંબર આવી જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ હજાર ૯૭૮ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૧૫૮ લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુઆંકમાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ હજાર ૧૪૬ દર્દીઓએ કોરોનાને માત આપી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૬ દર્દીઓના મોત થયા છે.
સુરત શહેરમાં ૯, મહેસાણામાં ૨, વડોદરા શહેરમાં ૧૧, ભાવનગર શહેરમાં ૫, રાજકોટ શહેરમાં ૧૦, જામનગર શહેરમાં ૭. સુરત ગ્રામ્યમાં ૪, જામનગર ગ્રામ્યમાં ૬, બનાસકાંઠામાં ૬, ભાવનગર ગ્રામ્યમાં ૬, વડોદરા ગ્રામ્યમાં ૮ લોકોના મોત થયા છે. ગુજરાતમાં એક્ટિવ કેસ ૧૪૬૮૧૮ છે. જેમાંથી ૭૨૨ દર્દીઓ વેન્ટિલેટર પર છે. કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી ૪૪૦૨૭૬ લોકો સાજા થયા છે. અત્યાર સુધી ૭૫૦૮ લોકોએ કોરોના મહામારીમાં પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યનો રિકવરી રેટ ૭૪.૦૫ ટકા પહોંચી ગયો છે.