હોસ્પિટલો કમાણી કરવાનો મોટો ઉદ્યોગ બની ગઇ છેઃ સુપ્રિમ કોર્ટ
કોવિડ હોસ્પિટલમાં આગથી દર્દીના મૃત્યુના મામલે સરકારનો લીધો બરોબરનો ઉધડો
નવી દિલ્હી, ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં બનેલી આગની ઘટનાઓને લઇને સુપ્રીમ કોર્ટે ફરી એક વખત ગુજરાત સરકારને કડક શબ્દોમાં ફટકાર લગાવી છે. સુપ્રીમે ગુજરાત સરકારે હોસ્પિટલોને ફાયર સેફ્ટી મુદ્દે જૂન-૨૦૨૨ સુધીનો સમય આપવા મુદ્દે જાહેર કરેલા નોટિફિકેશન પર નારાજગી વ્યક્ત કરી.
સુપ્રીમે વેધક સવાલ કર્યો કે ગુજરાત સરકાર કોર્ટના આદેશની અવમાનના કેવી રીતે કરી શકે. સુપ્રીમે આકરા શબ્દોમાં ફટકાર લગાવતા કહ્યું કે રાજ્ય સરકાર હોસ્પિટલોને બચાવવા માંગે છે એવી છાપ ઉભી ન કરે. ગુજરાતમાં કોરોનાકાળ દરમ્યાન અમદાવાદ, રાજકોટ અને ભરૂચની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં અનેક માનવ જિંદગીઓ હોમાઇ ગઇ છેપ તેમ છતાં ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના નામે હજુ પણ લાલિયાવાડી ચાલી રહી છે.
ત્યારે આ મામલે હવે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો રીતસર ઉધડો લીધો છે. ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં લાગેલી આગ મુદ્દે સુપ્રીમ કોર્ટે સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરી. જે દરમ્યાન સુપ્રીમે ગુજરાત સરકાર દ્વારા હોસ્પિટલોને ફાયર સેફ્ટી મુદ્દે જૂન-૨૦૨૨ સુધીનો સમય આપવા મુદ્દે જાહેર કરેલા નોટિફિકેશન પર નારાજગી વ્યક્ત કરી.
જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને એમ આર શાહની બેંચે જણાવ્યું કે જ્યારે એક વખત કોર્ટ કોઇ આદેશ આપે છે તો તેને રાજ્ય સરકાર નોટિફિકેશન વડે બદલી શકતી નથી.સરકારે મુદ્દત આપી એટલે હવે હોસ્પિટલ વર્ષ ૨૦૨૨ સુધી તેનું પાલન નહીં કરે. આથી ત્યાં સુધી લોકો મરતા રહેશે અને આગમાં સળગતા રહેશે.
ગુજરાતની ૪૦ હોસ્પિટલોને આ મામલે જવાબદાર ઠેરવવામાં આવી છે. આ હોસ્પિટલોએ હાઇકોર્ટમા અપીલ કરી. પરંતુ સરકારે આ હોસ્પિટલો પર કાર્યવાહી ન કરવાની દલીલ કરી. અમને લાગે છે કે આ પ્રકારનો આદેશ એ અવમાનનાનો વિષય છે. સુનાવણી દરમ્યાન જસ્ટિસ ચંદ્રચુડે જણાવ્યું કે હોસ્પિટલ એ સેવાની જગ્યા નથી રહી પરંતુ લોકોની તકલીફમાંથી કમાણી કરવાનો મોટો ઉદ્યોગ બની ગઇ છે.
પરંતુ આપણે તેને જિંદગીની કિંમત પર સમૃદ્ધ ન કરી શકીએ, આવી હોસ્પિટલો બંધ થવી જાેઇએ. સુપ્રીમે આકરા શબ્દોમાં ફટકાર લગાવતા કહ્યું કે રાજ્ય સરકાર હોસ્પિટલોને બચાવવા માંગે છે એવી છાપ ઉભી ન કરેપ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ડિસેમ્બર બાદ ફાયર સેફ્ટિ મુદ્દે લેવાયેલા પગલાંઓની પૂરી જાણકારી આપવાનો આદેશ આપ્યો છે સમગ્ર મામલાની સુનાવણી ૨ સપ્તાહ બાદ થશે.