હોસ્પિ.થી દર્દી ગુમ, તો પરિવારે કોના અંતિમ સંસ્કાર કર્યા ?
વડોદરા: વડોદરાના વાઘોડિયાના ધીરજ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. પાદરાના પરિવારને અન્ય કોઈ દર્દીનો મૃતદેહ આપી દેવાયો છે. ૨૯ તારીખથી આ હોસ્પિટલમાં ૫૭ વર્ષીય હીરાભાઈ પરમાર કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. પરંતુ પરિવારને અંતિમવિધિ કર્યા બાદ તેમના મોભી ન હોવાની જાણ થઈ હતી. હીરાભાઈ જીવિત છે કે મૃત?
તેના જવાબ માટે પરિવારની દોડધામ વધી છે. પરંતુ હોસ્પિટલ તરફથી ચાર દિવસ વીત્યા છતાં જવાબ નથી મળતો. તેથી પરિવારજનોએ એસપી સુધીર દેસાઈને આ અંગે રજૂઆત કરી છે. પરંતુ હજી સુધી પરિવારને હીરાભાઈ પરમાર ક્યાં છે તેની નથી કોઈ માહિતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પાદરા તાલુકના રણુના વતની હીરાભાઈ પરમાર અચાનક બીમાર પડતા તેમને ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.
પરંતુ તેના બાદ તેમની તબિયત બગડતા તેમને ૨૯ એપ્રિલના રોજ વાઘોડિયા વિસ્તારમાં આવેલી ધીરજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાેકે, હોસ્પિટલમાં દર્દીના પરિવારજનોને અંદર જવાની પરમિશન ન હતી. બીજા દિવસે ધીરજ હોસ્પિટલમાંથી પરિવારને અલગ અલગ પ્રકારના ફોન આવ્યા હતા. જેમાં હીરાભાઈની તબિયત વધુ બગડી હોવાનું જણાવાયું હતું. આખરે હોસ્પિટલને હીરાભાઈ મૃત્યુ પામ્યા હોવાનું જાણ કરાઈ હતી. હોસ્પિટલ તંત્રએ દર્દીના પરિજનના વોટ્સએપ પર મૃતકનો ફોટો મોકલ્યો હતો.
પરંતુ તે સમયે પરિવારજનો મોબાઈલ પર ફોટો જાેઈ શક્યા ન હતા. તેના બાદ હોસ્પિટલ તંત્રએ વૃદ્ધનો મૃતદેહ રાત્રે પેક કરીને આપ્યો હતો. પરંતુ મૃતદેહનું વજન વધારે હોવાથી પરિવારજનોને શંકા ગઇ હતી કે, આ હીરાભાઈ નહિ પણ અન્ય કોઈ શખ્સ છે. પણ મૃતદેહ જાેવા ન દેવાતા આવતા મૃતદેહના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. પરંતુ ૧ મેના રોજ પરિવારમાં લગ્ન હોવાથી મોબાઇલ ચાલુ કરતા હોસ્પિટલ તંત્ર દ્વારા વોટ્સએપ પર મોકલેલો ફોટો જાેયો હતો. ત્યારે પરિવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આ ફોટો અન્ય કોઈ શખ્સનો હતો, તેઓ હીરાભાઈ ન હતા. તેમણે જેમના અંતિમ સંસ્કાર કર્યા, તે હીરાભાઈ ન હતા, પણ અન્ય કોઈ હતા.