હોસ્પિ.ના કમ્પાઉન્ડરની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
ભાવનગર, ભાવનગરના સિહોર તાલુકાના વરલ ગામમાં ગતરાતે નોકરીએથી પરત આવતા કમ્પાઉન્ડર મુકેશભાઇ સવજીભાઇ બાબરની તીક્ષ્ણ હથિયારોથી ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. ૩૬ વર્ષના કમ્પાઉન્ડરની હત્યા કરાયેલી લાશ રોડ પર ફેંકી દેવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે. આ હત્યા કોણે અને કેમ કરી હોય તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, મુકેશભાઇ ટાણા ગામમાં એક ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ગઇકાલે રાત્રે રાબેતા મુજબ નોકરી પૂર્ણ કરીને પોતાના વાહન પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાનમાં ટાણા અને વરલ ગામની વચ્ચે બેકડી ગામના પાટિયા પાસે મુકેશ પર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી હત્યા નીપજાવી લાશ રોડ પર ફેંકી દીધી હતી અને ફરાર થઇ ગયા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે, આ મૃતકના પત્ની પણ મૃત્યું પામ્યા છે. તેમને એક પુત્ર છે. આ બનાવની જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.SSS