હૌશંગાબાદ (MP): ૧૭ ઈંચ વરસાદ વરસતાં સમગ્ર શહેર ડૂબી ગયું
મધ્યપ્રદેશમાં સતત વરસાદથી પૂરની તબાહી-તવા-બરગી ડેમમાંથી પાણી છોડવાથી નર્મદાની સપાટી શનિવારે રાતે ૧૦ વાગ્યા સુધીમાં ૯૮૩ ફુટ સુધી પહોંચી
ભોપાલ, મધ્યપ્રદેશમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ છે. સૌથી ખરાબ સ્થિતિ હૌશંગાબાદમાં છે. આ શહેરામાં છેલ્લા ૩૩ કલાકમાં ૧૭ ઈંચ વરસાદ થયો છે. તવા અને બરગી ડેમમાંથી પાણી છોડવાના પગલે નર્મદાની સપાટી શનિવારે રાતે ૧૦ વાગ્યા સુધીમાં ૯૮૩ ફુટ સુધી પહોંચી ગઈ છે.
આ ખતરાના નિશાનથી ૧૯ ફુટ ઉપરનું લેવલ છે. હોશંગાબાદમાં ૨૦થી વધુ વસાહતો ૫ ફુટ પાણીમાં ડૂબી ગઈ છે. આ સિવાય ૫૨ જિલ્લામાં શનિવારે એક સાથે વરસાદ થયો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં એક દિવસનો સામાન્ય વરસાદ ૦.૪૨ ઈંચ થવાથી ૩૯૭ ટકા પાણીની આવક થઈ છે.
હવામાન કેન્દ્ર દ્વારા ભોપાલ, ઉજ્જૈન, હોશંગાબાદ, રાયસેન, નરસિંહપુર, સિવની, બાલાઘાટ, દમોહ, સાગર, બુરહાનપુર, ખંડવા, બડવાની, ધાર, ઈન્દોર, રતલામ, દેવાસ, નીમચ અને મંદસૌરમાં ઓરેન્જ અલર્ટ અને સીહોર, વિદિશા, છિંદવાડા, રાજગઢ, શાજાપુર, આગ્રા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પુર અંગે ચર્ચા કરવા માટે હાઈ લેવલ બેઠક બોલાવી છે.
દરમિયાન, વરસાદી સીઝન અને ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી ૧૩૧.૦૪ મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી ૧૦ લાખ ૧૫ હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. તો ડેમના ૨૩ દરવાજા માંથી ૮,૧૩,૫૯૯ હજાર ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને જોતા વહીવટી તંત્ર પણ એલર્ટ છે. ડેમના ૨૩ દરવાજા ખોલવામાં આવતા ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નદી કાંઠાના ૫૨ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
તો વડોદરા-ભરૂચમાં એનડીઆરએફ એક ટીમ પણ તૈનાત કરાઈ છે. નર્મદા ડેમમાં સતત નવા પાણીની આવક થતાં ડેમના દરવાજા ખોલાયા છે. જેથી ભરૂચનો ગોલ્ડન બ્રિજ ભયજનક સપાટીથી માત્ર એક ફુટ દૂર છે. વોર્નિંગ લેવલ વટાવી બ્રિજની સપાટી ૨૨.૯૫ ફુટ છે. આ સ્થિતિને જોતા ૩ તાલુકામાંથી ૨૦૩૦ લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે.