૧થી ૬ જૂન સુધીમાં ઇન્કમ ટેક્સના રિટર્ન નહીં ભરાય
નવી દિલ્હી: આવકવેરા વિભાગની વેબસાઈટ ૧થી ૬ જૂન સુધી બંધ રહેશે જેથી આવકવેરો ભરવા માંગતા લોકો પોતાનું રિટર્ન દાખલ નહીં કરી શકે. આવકવેરા વિભાગ ૭ જૂનના રોજ રિટર્ન ફાઈલ કરવા માટે નવી વેબસાઈટ લોન્ચ કરશે. આવકવેરા વિભાગે રવિવારે જણાવ્યું કે, કેટલાક ટેક્નિકલ ફેરફાર સાથે રિટર્ન ફાઈલ કરવા માટેની નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી રહી છે. આ કારણે વર્તમાન વેબસાઈટincome tax indiaefiling.gov.in ને ૧ જૂનથી ૬ દિવસ માટે બંધ કરવામાં આવશે.
કરદાતાઓ માટે નવી વેબસાઈટ incometaxgov.in આગામી ૭ જૂન, ૨૦૨૧થી સક્રિય થઈ જશે. આવકવેરા વિભાગે ટ્વીટમાં લખ્યું હતું કે, નવી વેબસાઈટ કરદાતાઓ માટે વધુ સુવિધાજનક રહેશે. તેમાં અનેક નવા ફીચર્સ જાેડવામાં આવ્યા છે. જૂનુ પોર્ટલ આવકવેરા વિભાગના અધિકારીઓ માટે પણ બંધ રહેશે અને નવું પોર્ટલ ચાલુ થયાના ૩ દિવસ બાદ એટલે કે ૧૦ જૂનથી તેઓ આવકવેરા કેસની સુનાવણી કરી શકશે.
વિભાગે જણાવ્યું કે, નવા પોર્ટલ પર કરદાતાઓને પહેલેથી ભરેલા રિટર્ન ફોર્મ મળશે. સાથે જ કર અધિકારીઓ તેના દ્વારા નોટિસ અને સમન મોકલવા સાથે કરદાતાઓના સવાલના જવાબ પણ આપી શકશે. નાણાં મંત્રાલયે ૨૦૨૦-૨૧ માટે રિટર્ન ફાઈલ કરવાની અવધિ લંબાવીને ૩૦ સપ્ટેમ્બર કરી દીધી છે.