૧પમાં નાણાપંચની ગ્રાન્ટમાંથી મનપા બે રેફ્યુઝ સ્ટેશન તૈયાર કરશે

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરને સ્વચ્છ અને રળિયામણુ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત વિવિધ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. શહેરના વધતા જતા વ્યાપ અને વસ્તીના કારણે સફાઈ માટે વધુ સાધનો ઉપલબ્ધ કરવા જરૂરી છે તેથી ૧પમાં નાણાપંચની ગ્રાન્ટની રકમ સ્વચ્છતા માટે ખર્ચ કરવામાં આવશે.
મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સૂત્રોએ જણાવ્યા મુજબ સરકાર તરફથી ૧પમાં નાણાપંચની ગ્રાન્ટ પેટે રૂા.૯૧ કરોડ મનપા ને મળ્યા છે. સદ્ર રકમ સંપૂર્ણપણે સફાઈ માટે ખર્ચ કરવામાં આવશે. નાણાપંચની ગ્રાન્ટમાંથી બે રેફ્યુઝ સ્ટેશન તૈયાર કરવામાં આવશે જેમાં જરૂરી મીકેનીકલ સાધનો વાહનો માટે રૂા.૩ર કરોડ ખર્ચ કરવામાં આવશે. જયારે બે આરટીએસના સિવિલ કામ માટે રૂા.રપ કરોડના ખર્ચ થવાનો અંદાજ છે.
શહેરમાં સફાઈ સંબંધીત કામગીરી માટે જુદી-જુદી સાઈઝના વેસ્ટબીન ખરીદી માટે રૂા.રપ કરોડ ફાળવવામાં આવ્યા છે. જયારે પ૦થી વધુ મકાનોની સોસાયટીઓમાં સફાઈ કામદારો માટે આધુનિક વેસ્ટ કલેકશન હેન્ડકાર્ટ ખરીદવા માટે વધુ દરખાસ્ત રજુ કરવામાં આવી છે જેના માટે રૂા.૧૦ કરોડનો ખર્ચ થઈ શકે છે. આમ નાણાપંચની રૂા.૯૧ કરોડની ગ્રાન્ટમાંથી બે રેફ્યુઝ સ્ટેશન તેમજ સફાઈના આધુનિક સાધનોની ખરીદી કરવામાં આવશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.