૧પમીએ અમદાવાદ રિવરફ્રન્ટમાં રાજપૂત સમાજનું સંમેલન યોજાશે
અમદાવાદ, અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૧પમી સપ્ટેમ્બરના રોજ રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાશે. આ સંમેલનમાં જે રાજપૂતોએ જે તે સમયે ઈસ્લામ ધર્મ અંગાકર કર્યો હતો તેવા રાજપૂત અને એવા રાજપૂત પરિવાર કે જેઓ એક બે રિવાજ છોડીને મુસ્લિમ અને હિંદુ ધર્મની પરંપરાને વરેલા છે તેવા રાજપૂતોને એકત્રીત કરવામાં આવશે. આ સંમેલનમાં ૮ સ્ટેટના રાજવીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે જેથી અનેક રાજવી પરિવારો તેમજ વિવિધ સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઈસ્લામ અંગીકાર કરેલા ૮ લાખ રાજપૂત પરિવાર હોવાની વિગતો સામે આવી છે. આ પ્રસંગે ૮ સ્ટેટના રાજવીઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે, જેમણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો તેમાંથી ર સ્ટેટના રાજવી આ પ્રસંગે હાજર રહેવાના છે. રાજયના તમામ રાજપૂત સમાજને એક કરીને રાજપૂત સમાજ માટે કાર્ય કરવા માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ પ્રાંત સમિતિ દ્વારા ઈસ્લામની સાથે હિન્દુ ધર્મ અને રીતિ રિવાજામાં આસ્થા ધરાવનાર રાજપૂતોનો સર્વે હાથ ધર્યો હતો. (એન.આર.)