૧પ દિવસમાં સિલ્વર ટ્રોલીના પોઈન્ટ કાઢી ડોર ટુ ડોરમાં બદલવાનો આદેશ
સિલ્વર ટ્રોલીની આસપાસ ગંદકી થવાથી રખડતાં ઢોરનો ત્રાસ વધે છે
(એજન્સી) અમદાવાદ, શહેરમાં રખડતાં ઢોરની રંજાડની હવે કોઈને નવાઈ નથી રહી. ઠેર ઠેર રોડ પર રખડતાં ઢોરના અડ્ડા જામતા હોઈ અજાણ્યા મુલાકાતીને અમદાવાદ તો ગોકુળિયું ગામ લાગે છે. હાઈકોર્ટની લાલ આંખના પગલે મ્યુનિ. તંત્ર દ્વારા રખડતાં ઢોરને પકડવાની કામગીરીને રાઉન્ડ ધી કલોલક હાથ ધરાઈ રહી છે
, પરંતુ હજુ સુધી રોજના ૧૦૦ ઢોર પકડવામાં તંત્રને સફળતા મળી નથી. એક તરફ મ્યુનિ. સત્તાવાળાઓની રખડતાં ઢોરને ઝબ્બે કરવાની કામગીરી અસરકારક નથી, બીજી તરફ રખડતાં ઢોરની અડફેટે ચડીને નિર્દોષ લોકોના જીવ સામેનું જાેખમ વધતું જાય છે.
ખાસ તો શહેરના મુખ્ય રોડ પર ન્યુસન્સ પોઈન્ટ તરીકે મુકાયેલી સિલ્વર ટ્રોલીમાં નંખાયેલો કચરો ફેંદવા રખડતાં ઢોર દોડી આવીને લોકોને મુશ્કેલીમાં મુકી રહ્યાં છે, જેના કારણે મ્યુનિ. કમિશનર એમે. થેન્નારસને રખડતાં ઢોર સાથે સંકળાયેલા તમામ ૯૭ સિલ્વર ટ્રોલીના પોઈન્ટને ડોર ટુ ડોરમાં બદલવાનો મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને આદેશ આપ્યો છે.
આ તમામ પોઈન્ટ નાબુદ થશે તો રખડતાં ઢોરના ત્રાસથી નાગરિકોને એટલી રાહત મળશે તેમાં કોઈ વિવાદને સ્થાન નથી.
આમ તો હિંદુ સંસ્કૃતિમાં ગાયને માતાનો ઉંચો દરજ્જાે અપાયો છે. ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી અને ગીતાજીએ હિંદુ ધર્મના પંચ પ્રાણ કહેવાયા છે. જાેકે શહેરમાં અત્યંત દુઃખદાયક સ્થિતિમાં ગૌમાતા જાેવા મળે છે.
અમદાવાદ જેવા શેહરમાં ગાયને જયાં ત્યાં એઠવાડ ફેંદતા અને કચરાપેટીમાં પડેલો પ્લાસ્ટિક સાથેનો કચરો આરોગતાં જાેઈને કોઈ પણ ધર્મ પ્રેમી નાગરિકની આંતરડી કકળી ઉઠે છે. જાેકે ગાયોની આવી કરુણ સ્થિતિ સર્જાવાના અનેક કારણ છે. અમુક પશુપાલકો ઈરાદાપૂર્વક તેમના ગાય સહિતના ઢોરને સવારથી રોડ પર છુટા મુકી દેતાં હોય છે. આવા રખડતાં ઢોર દિવસભર બહુ ખરાબ સ્થિતિમાં મુકાઈ જઈને ખોરાકની શોધમાં ફાંફાં મારતાં હોય છે.
મ્યુનિ. તંત્ર દ્વારા શહેરમાં ઘર-ઘરનો કચરો એકઠો કરવા માટે ડોર ટુ ડોરનો પ્રોજેકટ કરોડો રૂપિયાના ખર્ચે અમલમાં મુકાયો છે, જે હેઠળ કોમર્શિયલ મિલકતોનો કચરો પણ તંત્ર દ્વારા એકઠો કરાવાય છે તેમ છતાં અમુક વ્યૂસન્સ સ્પોટમાં સત્તાવાળાઓએ કચરાના એકત્રીકરણ માટે રોડ પર સિલ્વર ટ્રોલી મુકી છે, જેમાં એકઠા કરાયેલા કચરાને તંત્રના કોમ્પેકટર વાહન ઉઠાવીને ડમ્પસાઈટ પર લઈ જાય છે.
જાેકે સિલ્વર ટ્રોલીની આસપાસ હંમેશા ગંદકી જાેવા મળે છે, જે અનેક નાગરિકો દ્વારા ચાલુ સ્કુટરે કે ગાડીએ સિલ્વર ટ્રોલી તરફ ફેંકાયેલી કચરાની થેલીને કારણે પણ હોય છે ઘણી વખત કચરાની પાતળી થેલી ફાટી જવાથી રોડ પર કચરો વેરાઈ જાય છે. સિલ્વર ટ્રોલી કચરાથી ઉભરાઈ જાય અને તેમાંથી દિવસો સુધી કચરો ઉપાડી ન લેવાય ત્યારે પણ સિલ્વર ટ્રોલી ઉકરડાનું ધામ બનીને રખડતાં ઢોરને ખોરાક માટે લલચાવે છે.
ખાસ કરીને મુખ્ય રોડ પરની કચરાથી ઉભરાયેલી સિલ્વર ટ્રોલી ગાય સહિતના રખડતાં ઢોર માટે આકર્ષણનું કેન્દ્ર બને છે, આવી સિલ્વર ટ્રોલીની આસપાસ કાયમ રખડતાં ઢોરનો ઝમેલો જાેવા મળે છે. આવી સ્થિતિથી રોડ પર ટ્રાફીકજામ તો થાય જ છે, પરંતુ ટુ-વ્હીલરચાલકો પણ રખડતાં ઢોરની અડફેટે ચડી જાય છે.
આ તમામ બાબતોનો મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને ગંભીરતાથી વિચાર કરીને ખાસ કરીને મુખ્ય રોડ પરની સિલ્વર ટ્રોલીના પોઈન્ટને નાબુદ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. અને તંત્ર દ્વારા આવા ૯૭ પોઈન્ટ શોધી કઢાયા છે. ઉત્તર ઝોનમાં નરોડા, સૈજપુરબોઘા, ઠકકરબાપાનગર, કૃષ્ણનગર, સરદારનગર જેવા વિસ્તારો મળીને શહેરમાં સૌથી વધુ ર૮ પોઈન્ટ પર સિલ્વર ટ્રોલી છે,
જેમાં એકલા નરોડા વોર્ડમાં ૧૭ સ્થળે સિલ્વર ટ્રોલી છે. પશ્ચિમ ઝોનનીવાતકરીએ તો ચાંદખેડામાં સૌથી વધુ છ સ્થળે રાણીપમાં પાંચ સ્થળે, સાબરમતીમાં બે સ્થળે, જુના વાડજ અને વાડજમાં એક-એક સ્થળે મળીને કુલ ૧પ સ્થળે કે પોઈન્ટ પર સિલ્વર ટ્રોલી મુકાઈ છે.
સિલ્વર ટ્રોલીની આસપાસ ફરતાં ઢોરને રોકવા માટે મ્યુનિ. કમિશનરે આગામી ૧પ દિવસમાં આ તમામ પોઈન્ટ નાબુદ કરીને તેમાં ફેંકાતા કચરાને ડોર ટુ ડોર સિસ્ટમ હેઠળ સમાવેશ કરવાનો મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને આદેશ કર્યો છે. આ આદેશને પગલે હવે મુખ્ય રોડ પરની સિલ્વર ટ્રોલી દૂર થતાં ત્યાં કચરો ફેંકતા રખડતાં ઢોરના ચીતરી ચડે તેવા દૃશ્યો નાગરિકોને જાેવા નહી મળે તેવી ચર્ચા ઉઠી છે.