Western Times News

Gujarati News

૧લી જાન્યુઆરીથી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજીયાતના પગલે યુવા કોંગ્રેસ આંદોલનના મૂડમાં

ભરૂચના મૂલદ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વગરના વાહનચાલકો પાસેથી ડબલ રૂપિયા વસૂલાશે : ફાસ્ટેગના પગલે ગોલ્ડનબ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધશે.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચના મુલદ ટોલ પ્લાઝા સહિત સમગ્રમાં ૧ લી જાન્યુઆરી ૨૦૨૧ થી ફોર વ્હિલર સહિતના વાહનો માટે ફાસ્ટેગ ફરજીયાત થશે.જે લોકોએ ફાસ્ટેગ નથી લગાવ્યા તેમણે ડબલ ચાર્જ ચુકવવો પડશે.જેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે.જોકે ૧ લી જાન્યુઆરીથી ભરૂચવાસીઓએ પણ ટોલપ્લાઝા પસાર કરવા માટે ફરજીયાત રૂપિયા ચુકવવા પડશે અથવા દરરોજ અવરજવર કરતા સ્થાનિકોએ પણ મહિનાનો પાસ લેવો પડશે.જે સામે ભરૂચ જીલ્લા યુવા કોંગ્રેસ આ મુદ્દે આંદોલનના મૂડ માં છે.

ભરૂચના મુલદ ટોલ પ્લાઝા પરથી દરરોજ સરેરાશ ૪૫ હજારની આસપાસ પસાર થાય છે.જે પૈકીના ૭૦ ટકા વાહનોમાં ફાસ્ટેગ લાગી ગયા છે.આવનાર દિવસોમાં સ્થાનિક સહિતના દરેક વાહનચાલકોએ ટોલ ફી ફરજિયાત ચુકવવી પડશે.સ્થાનિકો માટે સાઈડ પર થી પસાર થવા માટેની લેનને પણ બંધ કરવા માટેનું આયોજન કરાઈ રહ્યુ છે.

જોકે તેના કારણે ટેક્સ બચાવવા નાના વાહનો ગોલ્ડનબ્રિજ તરફ વળતા ત્યાં ભારણ વધશે જેથી ટ્રાફિકજામની સમસ્યા વધુ વિકટ બનશે.ફાસ્ટેગના નિયમાનુસાર ટોલ પ્લાઝાની ૨૦ કિ.મીની ત્રિજ્યામાં વસતા લોકો માટે ટોલટેક્ષમાં આંશિક રાહત રહેશે પરંતુ જીલ્લાના અન્ય વિસ્તારોના લોકોએ રેગ્યુલર ટેક્ષ ફરજીયાત ચુકવવો પડશે.૨૦ કિ.મીની ત્રિજ્યાના લોકોએ રહેઠાણનો પુરાવો રજૂ કર્યા બાદ માસિક પાસની રકમ ૨૭૫ રૂપિયા થશે.તેઓ દિવસ દરમ્યાન ઈચ્છાનુસાર વાહનવ્યવહાર કરી શકશે.તેના પર કોઈ મર્યાદા નથી.

અત્યારે ભરૂચ જીલ્લાના તમામ વાહનો માટે ટોલ મુક્તિ હતી.જે ૧લી જાન્યુઆરી થી બંધ થશે તેવા અહેવાલના પગલે ભારે વિરોધ થાય તેમ લાગી રહ્યુ છે.ભરૂચ જીલ્લા યુવા કોંગ્રેસે તે માટે આંદોલન કરશે તેવી જાહેરાત પ્રમુખ શેરખાન પઠાણે કરી ભૂતકાળમાં પણ આ મુદ્દે યુવા કોંગ્રેસે આંદોલન કર્યા હતા હોવાનું જણાવી ફાસ્ટેગ સિસ્ટમ થી અન્ય સમસ્યાઓ પણ સર્જશે તેમ કહ્યુ હતુ.

આમ એક તરફ ફાસ્ટેગ ફરજીયાત કરવાની તંત્રની તૈયારી સામે ભરૂચ જીલ્લાના વાહનોની ટોલમુક્તિ માટેના આંદોલનનો તખ્તો પણ તૈયાર થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.