૧લી મે, ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી આ શહેરમાં કરાશે

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી સંદર્ભે પ્રભારીમંત્રીએ પત્રકાર પરિષદ સંબોધી
માહિતી બ્યુરો, પાટણ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ૧લી મે, ૨૦૨૨ રવિવારના રોજ પાટણ ખાતે કરવામાં આવનાર છે. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે પાટણ ખાતે વિવિધ સાંસ્કૃતિક તેમજ વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કાર્યક્મોનું આયોજન કરાયું છે.
૩૦ એપ્રિલ અને ૧લી મે ના રોજ યોજાનાર વિવિધ કાર્યક્રમોથી પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા (પંચાલે) પત્રકાર પરીષદમાં ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે યોજાનારા વિવિધ કાર્યક્મોની માહિતી આપી અવગત કર્યા હતા.
સહકાર મંત્રી જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યની સ્થાપના દિવસની ઉજવણી જિલ્લા કક્ષાએ કરવાનો ર્નિણય કરી નાગરિકોમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે પાટણ જિલ્લાવાસીઓને રૂ ૩૩૦ કરોડના ખાતમુર્હુત અને ૧૧૦ કરોડના વિકાસના કામોની ભેટ મળનાર છે.
પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે ૧લી મે ના રોજ સરસ્વતી તાલુકાના ચોરમારપુર ખાતે સવારે ૧૦-૧૦ કલાકે રિજિયોનલ સાયન્સ સેન્ટરનું માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકાર્પણ થનાર છે તેમજ યુનિવર્સીટી ગ્રાઉન્ડ પાટણ ખાતે સવારે ૧૦-૩૦ કલાકે પાટણ જિલ્લામાં થયેલ અને થઇ રહેલ વિકાસ કાર્યોનું માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત થનાર છે.
મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ ઉમેર્યું હતું કે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીમાં પાટણની વિવિધ સ્વેચ્છિક સંસ્થાઓનો સહયોગ મળ્યો છે. ૨૬ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી આ સંસ્થાઓ દ્વારા ગૌરવ દિવસની ઉજવણીને ગૌરવ મળે તે માટે વિવિધ સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કર્યુ છે.
જે પ્રવૃતિઓમાં પ્રાકૃતિક કૃષિ સેમીનાર, આંગણવાડીના બાળકોને નાસ્તો, વૃક્ષારોપણ,કારીગરોને કીટ વિતરણ, ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા, સફાઇ કાર્યક્રમ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ, ડાયાબીટીસ ચેકઅપ કેમ્પ, ઝુંપડપટ્ટીમાં ભોજન વિતરણ, મેરેથોન દોડ, બ્લડ ડોનેશન કેમ્પ, જનરલ આરોગ્ય કેમ્પ, નગરની તમામ પ્રતિમાઓની સફાઇ,સાઇકલ રાઇડર્સ, સફાઇ કાર્યક્રમ, કુંડ વિતરણ સહિતની સેવાઓના કાર્યક્મો યોજાઇ રહ્યા છે.
જિલ્લા કલેકટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટીએ ગૌરવભેર જણાવ્યું હતું કે ગુજરાત ગૌરવ દિવસની કાર્યક્રમની માહિતી આપીને મીડિયા માટે કરવામાં આવેલી વ્યવસ્થા વિષે જણાવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતુ કે ૨૯ થી ૦૧ મે સુધી પોલીસ હેડ ક્વાટર્સ પાટણ ખાતે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરાયું છે.
આ ઉપરાંત ૦૧ મે ના રોજ માન.મુખ્યમંત્રીશ્રીની શસ્ત્રપ્રદર્શનની મુલાકાત બપોરે ૧૨ કલાકે લેનાર છે. તેમણે ઉમેર્યું હતું કે પાટણ પોલીસ વિભાગ દ્વારા ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે નવતર કાર્યક્રમોનું આયોજન કરાયા છે.