૧૦થી લઈને ૨૦૦૦ રુપિયાની નોટથી મંદિર સજાવવામાં આવ્યુ
નેલ્લોર, આંધ્ર પ્રદેશના નેલ્લોર સ્થિત કન્યાકા પરમેશ્વરી મંદિરને દશેરાના અવસર નિમિત્તે ૫ કરોડ રુપિયાથી વધુ મૂલ્યની કરન્સીથી સજાવામાં આવ્યું છે. આ મંદિરમાં વર્ષના અલગ-અલગ સમય પર દેવીના વિભિન્ન સ્વરુપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ-દશેરા દરમિયાન દેવીને ધનની દેવી ધનલક્ષ્મીના રુપે પૂજવામાં આવે છે.
૧૦૦થી વધુ સ્વયંસેવકોએ ૫ કરોડ અને ૧૬ લાખ રુપિયાના મૂલ્યની કરન્સી નોટો સાથે મંદિરને શણગારવા માટે લાંબા સમયથી તૈયારી કરતા હતાં. સજાવટ માટે ૨૦૦૦થી લઈને ૧૦ રુપિયાના નોટોનો વપરાશ કરવામાં આવ્યો છે.૪ વર્ષ અગાઉ ૧૧ કરોડ રુપિયાના દાનથી જૂના કન્યાકા પરમેશ્વરી મંદિરનો જીણોદ્વાર કરવામાં આવ્યો હતો. ત્યારથી નવરાત્રિ દશેરા સમારોહનું આયોજન ભવ્ય રુપથી કરવામાં આવે છે. આ વર્ષે પણ ધામધૂમથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહથી ચાલી રહ્યો છે.
નેલ્લોર શહેરી વિકાસના અધ્યક્ષ મુક્કલા દ્વારકાનાથે કહ્યું કે ૭ કિલો સોનું અને ૬૦ કિલો ચાંદી દેવીને સુશોભિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અહીં ઘણી જગ્યાઓ પર નોટોથી દેવતાઓની પૂજા કરવામાં આવે છે, નેલ્લોરમાં લોકોનો દાવો છે કે આટલી મોટી રકમની નોટોથી મંદિરને સજાવવું અસામાન્ય છે.
રિપોર્ટ્સ અનુસાર, ૨૦૨૦માં પણ તેલંગાણામાં કન્યાકા પરમેશ્વરી મંદિરે દશેરા ઉત્સવ રુપે ૧ કરોડ રુપિયાથી વધુ નોટોથી સજાવામાં આવ્યું હતું. અગાઉના વર્ષે માળા બનાવવા માટે ૧,૧૧,૧૧૧ રુપિયાના મૂલ્યના વિભિન્ન રંગોના નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.HS