Western Times News

Gujarati News

૧૦૦થી વધારે ટ્રાન્સજેન્ડરોને નિઃશુલ્ક શિક્ષણ આપતી યુનિવર્સિટી ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી

(માહિતી) અમદાવાદ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નો હેતુ ભારત રત્ન ડો.બી.આર આંબેડકરના સંકલ્પને સાકાર કરવાનો છે.

કોઈ પણ ભેદભાવ થી મુક્ત અને ન્યાયી સુમેળ ભર્યો સમરસ સમાજ હોવો તે તેમની દૃષ્ટિ હતી અને આ જ વિચાર સાથે ડો. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા ૧૦૦થી વધુ ટ્રાન્સજેન્ડરોને એડમિશન આપવામાં આવ્યું છે. અને તેમને નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. અમી ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, વર્લ્‌ડ ટ્રાન્સજેન્ડર ડેના દિવસે તેમની યુનિવર્સિટી દ્વારા ૯૬ જેટલા અલગ-અલગ એનજીઓનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને ટ્રાન્સજેન્ડરોની સાથે સેક્સ વર્કર્સ અને તેમના બાળકો, એચ.આઇ.વી. પોઝીટીવ વ્યક્તિઓને પણ આંબેડકર યુનિવર્સિટીમાં નિઃશુલ્ક એડમિશન આપવામાં આવ્યું હતું.

અહી દરેકને મુખ્ય પ્રવાહમાં અને સમાવિષ્ટ શિક્ષણ પ્રદાન કરવા માટે યુનિવર્સિટી દ્વારા એક પહેલ ‘અત્રિ – સમાન તકો અને સમાવેશી શિક્ષણ કેન્દ્ર’ની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના નાગરિકોને સમાજના વંચિત વર્ગ જેમકે ટ્રાન્સજેન્ડરો, એચ.આઇ.વી. પોઝીટીવ વ્યક્તિઓ, સેકસ વર્કરસ અને તેમના બાળકો, જેલના કેદીઓ વિગેરેને ઉચ્ચ શિક્ષણ અને ટૂંકા ગાળાના વ્યવસાયિક અભ્યાસક્રમો પ્રદાન કરવામાં આવે છે.

અમી ઉપાધ્યાય વધુમાં જણાવે છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી મુજબ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ૫૦% છે, પરંતુ તે હાલમાં ૨૭% જ છે, જેનું કારણ એ છે કે બાળકો નાની વયે શિક્ષણ છોડી દે છે અને આંબેડકર ઓપન યુનિવર્સિટી એ જ દિશામાં કાર્ય કરે છે કે વધુ વિદ્યાર્થીઓ શિક્ષણમાં જાેડાય જેથી એલિજિબલ એનરોલમેન્ટ રેશિયોમાં વધારો થાય આથી આપોઆપ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વધશે અને તે માટે ગુજરાત ઓપન સ્કૂલિંગ શુભારંભ ટૂંક સમયમાં જ બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે જેમાં ટ્રાન્સજેન્ડર, સેકસ વર્કર્સ અને તેમના બાળકોથી લઈને તમામ વ્યક્તિઓને શિક્ષણ આપવામાં આવશે.

હાલમાં ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અન્ય પ્રાદેશિક કેન્દ્ર સ્થાપવા માટે સરકાર દ્વારા પણ ભાવનગર, સુરત, ભુજ અને પાલનપુરમાં પણ યુનિવર્સિટીની પોતાની જમીન ફાળવી આપી છે જ્યાં શિક્ષણના વેગને વધારવાનું કાર્ય હવે ટુંક સમયમાં જ શરૂ કરવામાં આવશે.

ડો.બી.આર આંબેડકર ઓપન યુનિવર્સિટી એ ભારતની પ્રથમ ઓપન યુનિવર્સિટી છે જેણી વિદ્યાર્થીઓની સંભવિતતાઓને પ્લેટફોર્મ પૂરું પાડવા અને તેમના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસમાં ટેકો આપવા ઓપન ડિસ્ટન્સ લર્નિંગ સિસ્ટમમાં સાંસ્કૃતિક, સાહિત્યિક, અને રમતગમત – પ્રતિભા શોધ સ્પર્ધાઓ શરૂ કરી છે. જેના થકી ૧૮ થી ૬૦ – ૬૫ વર્ષના મહિલા પુરુષ કે ટ્રાન્સજેન્ડર પોતાનામાં રહેલી આંતરિક શક્તિઓ (તેજ પુંજ)ને તૃષા એટલે કે ઓળખ આપવાના પ્રયાસ કરે છે.

ધાવણા દીકરા સાથે માતા રંગોળીમાં ભાગ લેતી હોય, પિતા સાહિત્યને લગતી કવિતા સંભળાવતા હોય અને દીકરી તેના પિતાનો વિડિયો લેતી હોય આ પ્રકારની બાબત માત્ર ડો. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીની તેજ તૃષા ટેલેન્ટ હન્ટ માં જ જાેવા મળે છે. અહી ટ્રાન્સજેન્ડરો શિક્ષણ પ્રાપ્ત કરી આવા અદભુત તેજ તૃષા ટેલેન્ટ હન્ટમાં ભાગ લઈ સાંસ્કૃતિક કે સાહિત્યિક કાર્યક્રમો કરી સમાજને દર્પણ દર્શાવી જાગૃતિ લાવવાના પ્રયાસ કરે છે અને તે આ ઓપન યુનિવર્સિટીની અતુલ્ય ઘટના છે.

ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ એકમાત્ર યુનિવર્સિટી છે કે જેણે વર્ષ ૨૦૨૦માં એસોસિયેશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીનું યજમાન પદ સાંભળ્યું હતું જેનું ઉદ્દઘાટન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.

ડો. અમી ઉપાધ્યાયને પણ તેમના ઉમદા કાર્ય માટે ઓર્ડીનરી ફેલોશિપ કોમન વેલ્થ ઓફ લર્નિંગનો એવોર્ડ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના વરદ હસ્તે પ્રાઈડ ઓફ નેશનનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. અહી શિક્ષણ પ્રાપ્ત કરી રહેલ ટ્રાન્સજેન્ડરો અને સેકસ વર્કર્સને પણ યુનિવર્સિટી દ્વારા શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા છે.

ડો.બી.આર. આંબેડકર યુનિવર્સિટી દ્વારા સમાજમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનું ઉમદા કાર્ય કરી રહી છે, જેથી સમાજનો વંચિત વર્ગ મુખ્ય પ્રવાહમાં ગૌરવભેર જીવી શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.