૧૦૦ ગુજરાતી વિદ્યાર્થીઓ હેમખેમ વતનમાં પહોંચ્યા
યુદ્ધગ્રસ્ત યુક્રેનથી આવેલા ૧૦૦ ગુજરાતી વિદ્યાર્થીઓ વોલ્વો બસ મારફતે તેમના વતન ખાતે આવી પહોંચ્યા ઃ વિદ્યાર્થીઓ હેમખેમ વતન પહોંચતા પરિવારને હાશકારો
(એજન્સી) અમદાવાદ,સરકારે યુક્રેનમાં રશિયાના હુમલા વચ્ચે નાગરિકોને પરત લાવવાની શરૂઆત કરી દીધી છે. જેના ભાગરૂપે યુક્રેનથી ૨૧૯ ભારતીયોની પહેલી ફ્લાઈટ શનિવારે રાતે મુંબઈ પહોંચી હતી.
જ્યાંથી વોલ્વો બસ મારફતે ૧૦૦ ગુજરાતી વિદ્યાર્થીઓ પણ તેમના વતન ખાતે આવી પહોંચ્યા છે. જ્યાં તેમને લેવા માટે પરિવારની સાથે સાથે મંત્રી અને સ્થાનિક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. તમામ હેમખેમ પરત ફર્યા હોવાથી પરિવારને હાશકારો થયો હતો. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ પરિવારને જાેતા જ ભેટી પડ્યા હતા અને ધ્રુસ્કને ધ્રુસ્કે રડવા લાગ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સુરત, અમદાવાદ સહિત રાજ્યભરમાં રહેતા વિદ્યાર્થીઓ પોતાના વતન પરત ફરતા જ પરિવારજનોને ભેટીને રડી પડ્યા હતા. સાથે જ માતા-પિતાના ચહેરાં પર પોતાના બાળકો સુરક્ષિત પરત ફરતા ખુશી જાેવા મળી રહી છે.
સુરતમાં ૬ વિદ્યાર્થીઓ પરત ફર્યા છે જ્યારે અમદાવાદના કેટલાક વિદ્યાર્થીઓ ૧ વાગ્યાની આસપાસ ય્સ્ડ્ઢઝ્ર ઓડિટોરિયમ ખાતે પહોંચ્યા હતા. તેમના સ્વાગત માટે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેહી સહિતના મંત્રી પણ આવી પહોંચ્યા હતા અને તમાને ફુલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ છેડાયુ છે ત્યારે મેડિકલ સહિત અન્ય અભ્યાસ માટે ગયેલાં ગુજરાતી વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. ગુજરાત સરકારને અત્યાર સુધી કુલ ૫૮૬ વિદ્યાર્થીઓ ફસાયા હોવાની ફરિયાદો મળી છે.
ત્યારે રાજ્ય સરકારે ગાંધીનગર સ્થિત શરૂ કરેલા કંટ્રોલરૂમ છેલ્લા બે દિવસમાં સરકારને યુક્રેનમાં ફસાયેલાં વિદ્યાર્થીઓના સંદર્ભમાં કુલ ૧૧૪ ફરિયાદો મળી છે. જાે કે, રાહતના સમાચાર છે કે, યુદ્ધની વચ્ચે ગુજરાતના ૧૦૦ વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા છે, જ્યારે યુક્રેનમાં ફસાયેલા અન્ય વિદ્યાર્થીઓને પરત લાવવા પ્રયાસો ચાલુ છે.
યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે કેન્દ્ર સરકારે શરૂ કરેલા ઓપરેશન ગંગા હેઠળ હજી પણ અનેક વિદ્યાર્થીઓને પરત લાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ ગુજરાત સરકારે પણ યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોની સલામતી માટે કેન્દ્ર સરકાર સમક્ષ રજુઆત કરી હતી.