૩૩ આદર્શ નિવાસી શાળાઓ પૈકી HSCમાં ૨૪ તથા SSCમાં ૮ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું
રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ૩૩ આદર્શ નિવાસી શાળાઓનું SSCનું સરેરાશ ૯૨.૧૬ ટકા તેમજ HSCનું સરેરાશ ૯૮.૭૪ ટકા પરિણામ
વિકસતી જાતિ કલ્યાણ નિયામકશ્રીની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ૩૩ આદર્શ નિવાસી શાળાઓનું એસ.એસ.સી.નું સરેરાશ ૯૨.૧૬ ટકા તેમજ એચ.એસ.સી.નું સરેરાશ ૯૮.૭૪ ટકા પરિણામ આવ્યું છે. આ શાળાઓ પૈકી એચ.એસ.સી.માં ૨૪ તથા એસ.એસ.સી.માં ૮ શાળાઓએ ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું છે.
રાજ્યમાં વિકસતી જાતિ કલ્યાણ ખાતા હેઠળની ધોરણ ૯ થી ૧૨ સુધીની ૩૩ આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિધ્ધ થયેલ માર્ચ-૨૦૨૨ના એસ.એસ.સી.ના રાજ્યના બોર્ડના કુલ પરિણામ ૬૫.૧૮ ટકા સામે તેમજ ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિધ્ધ થયેલ માર્ચ-૨૦૨૨ ના એચ.એસ.સી. (સામાન્ય પ્રવાહ)ના રાજ્યના બોર્ડના કુલ પરિણામ ૮૬.૯૧ ટકા સામે અનુક્રમે રાજ્યભરની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ૩૩ આદર્શ નિવાસી શાળાઓનું એસ.એસ.સી.નું સરેરાશ ૯૨.૧૬ ટકા તેમજ એચ.એસ.સી.નું સરેરાશ ૯૮.૭૪ ટકા પરિણામ આવ્યું છે.
વધુમાં યાદીમાં જણાવ્યું છે કે ૩૩ આદર્શ નિવાસી શાળાઓ પૈકી એસ.એસ.સી.ના પરિણામમાં ૧૦૦ ટકા પરિણામ મેળવનાર ૦૮ શાળાઓ છે, તેમજ ૧૫ શાળાઓમાં ૯૧ થી ૯૯ ટકા તથા ૮૧ થી ૯૦ ટકા પરિણામ મેળવાનાર ૦૪ શાળાઓ છે. જ્યારે ૦૬ શાળાઓએ ૮૦ ટકાથી ઓછું પરિણામ મેળવ્યું છે. એચ.એસ.સી.ના પરિણામમાં ૧૦૦ ટકા પરિણામ મેળવનાર ૨૪ શાળાઓ છે, તેમજ ૯૧ થી ૯૯ ટકા પરિણામ મેળવનાર બે શાળાઓ, જ્યારે માત્ર બે શાળાઓએ જ ૮૧ થી ૯૦ ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે થઈ રહેલા પ્રયત્નોના કારણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની આદર્શ નિવાસી શાળાઓ ઉત્તરોત્તર સારૂં પરિણામ હાંસલ કરી રહી છે.
દિપક જાદવ