૧૦૦ ટેસ્ટ રમવા પર વિરાટનું સ્પેશિયલ કેપ આપી સમ્માન
મોહાલી, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી આજે એટલે શુક્રવારે પોતાની ૧૦૦મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. ભારત માટે ૧૦૦મી ટેસ્ટ મેચ રમનારો વિરાટ ૧૨મો ખેલાડી બન્યો છે. વિરાટ કોહલીએ ૨૦૧૧માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
૨૦૦૮માં અંડર-૧૯ વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના કેપ્ટન રહેલા વિરાટે થોડા સમયમાં જ ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું. ૨૦૧૪માં તેને ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પણ મળી હતી.
વિરાટ કોહલીને ૧૦૦મી ટેસ્ટ પહેલા બીસીસીઆઈ દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ દ્વારા વિરાટને સ્પેશિયલ કેપ આપવામાં આવી હતી. સૌથી વધુ ટેસ્ટ મેચ રમનારા ભારતીય ક્રિકેટર તરીકે સચિન તેંડુલકર બાદ દ્રવિડનું નામ આવે છે. ભારતીય ક્રિકેટ ટીમ માટે ૧૦૦મી ટેસ્ટ મેચ રમનારો વિરાટ બારમો ખેલાડી છે.
વિરાટને સ્પેશિયલ કેપ આપવામાં આવી ત્યારે તેની પત્ની અનુષ્કા શર્મા મેદાનમાં તેની સાથે ઊભી રહી હતી. કેપ આપતાં પહેલા રાહુલ દ્રવિડ વિરાટ કોહલીની મહેનત અને ખંતના વખાણ કરી રહ્યા હતા ત્યારે અનુષ્કાના ચહેરા પર ગર્વ જાેવા મળી રહ્યો હતો. દ્રવિડે વિરાટના વખાણ કરતાં કહ્યું, તું આનો હકદાર છે અને તેં મેળવ્યું છે. આશા છે કે, આ આવનારી ઘણી બાબતોની શરૂઆત બનશે. આપણી ડ્રેસિંગ રૂમમાં કહીએ છીએ તેમ ડબલ ઈટ અપ.
સન્માનિત થયા બાદ વિરાટ કોહલીએ કહ્યું, “આ મારા માટે ખાસ ક્ષણ છે. મારી પત્ની અને મારો ભાઈ અહીં છે. સૌને મારા પર ગર્વ છે. આ ખરેખર ટીમ ગેમ છે અને તમારા વિના આ શક્ય ના બન્યું હોત. આભાર. હાલના ક્રિકેટમાં આપણે ત્રણ ફોર્મેટ અને રમીએ છીએ ત્યારે આગામી પેઢી મારી પાસેથી શીખી શકે છે કે હું સૌથી શુદ્ધ ફોર્મેટમાં ૧૦૦ ગેમ રમ્યો છું.”
જણાવી દઈએ કે, વિરાટને સન્માનિત કરવામાં આવ્યો ત્યારે પત્ની અનુષ્કાના ચહેરા પર ગર્વ હતો. કેપ મળ્યા બાદ વિરાટે પત્ની અનુષ્કા શર્માને ગાલ પર કિસ કરી હતી અને આલિંગન આપ્યું હતું. મેચના એક દિવસ અગાઉ જ વિરાટે અનુષ્કાનો જીવનમાં મોટો પ્રભાવ છોડવા માટે આભાર માન્યો હતો. તેણે કહ્યું હતું, હું ઈશ્વરનો આભારી છું કે મને તારા જેવી પત્ની મળી છે. તે મારી શક્તિનો સ્ત્રોત છે.
મારા જીવનમાં તે આવી પછી હું વધુ સારો થતો ગયો અને તે પણ. અમે બંનેએ એકબીજાને નિખારવામાં મદદ કરી. સાચું કહું તો મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું ૧૦૦ ટેસ્ટ મેચ રમીશ. આ સફર લાંબી રહી છે. ૧૦૦ ટેસ્ટ મેચ સુધી પહોંચવા દરમિયાન અમે ઘણું ક્રિકેટ રમ્યા છીએ. જણાવી દઈએ કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ૧૧ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ લગ્ન કર્યા હતા. અનુષ્કા શર્મા દરેક સમયમાં વિરાટની પડખે રહી છે. ઘણીવાર તે સ્ટેડિયમમાં વિરાટને ચીયર કરતી પણ જાેવા મળી છે. વિરાટ-અનુષ્કાની એક વર્ષની દીકરી છે જેનું નામ વામિકા છે.SSS