૧૦૦ રૂપિયાની ટિકિટ પર એક કરોડનું ઈનામ લાગ્યું
લુધિયાણા: પંજાબના મોગા જિલ્લાની રહેવાસીની કિસ્મતનું તાળું રાતો રાત ખુલી ગયું છે. મહિલાએ ૧૦૦ રૂપિયાની લોટરી ટિકિટ ખરીદી હતી, જેમાં તેણે ૧ કરોડનું ઈનામ જીત્યું છે. મહિલાએ પંજાબ સ્ટેટ લોટરીનું પહેલું ઈનામ જીત્યું છે. લોટરી જીત્યાની વાત સાંભળતા મહિલામાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. તેણીએ કહ્યું હતું કે, મેં આજ સુધી આટલા બધા ઝિરો એક સાથે ક્યારેય જાેયા નથી.
મોગા જિલ્લાના બાઘાપુરાની વિસ્તારમાં રહેતી મહિલાએ ૧ કરોડની લોટરી જીતી હતી. તેમનું નામ આશારાની છે. લોટરી વિભાગે આશારાનીને ફોન કરીને લોટરી જીત્યા હોવાની જાણકારી આપી હતી. લોટરી વિભાગના અધિકારીઓએ મહિલાને તમામ જરૂરી દસ્તાવેજાેને જમાં કરાવવાની સૂચના આપી હતી. તેઓ આ દસ્તાવેજાેની ખરાઈ કરીને ઈનામમાં જીતેલી રકમ મહિલાને આપશે. લોટરી વિભાગના અધિકારીઓએ આશારાનીને અભિનંદન પણ પાઠવ્યા હતા.
તેમને હજુ સુધી વિશ્વાસ નથી આવી રહ્યો કે તેઓએ આટલી મોટી રકમ જીતી છે. આશારાનીએ કહ્યું હતું કે, ઈનામમાં જીતેલી રકમ તેઓ બાળકોના ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસ પાછળ રોકાણ કરશે, જેથી બાળકો સારું શિક્ષણ પ્રાપ્ત કરીને સફળતાના શીખરો આંબી શકે.