૧૦૮ના સ્ટાફે કોંઢ ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવી

ગ્રામ્ય વિસ્તારોમાં એમ્બ્યુલન્સ સેવા આશિર્વાદરૂપ બની રહી છે.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, તા.૧૬ મીના રોજ રાત્રે સાડા નવ કલાકે ૧૦૮ ઈમરજન્સીને કોલ મળતાની સાથે વાલિયા ૧૦૮ એમ્બ્યુલન્સ કોંઢ ગામે પહોંચી.જે મહિલા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી તે કરૂનાબેનના સંબધીઓએ જણાવ્યું કે કરૂનાબેન થી ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી.એમ્બ્યુલન્સનો સ્ટાફ એમ્બ્યુલન્સ માંથી જરૂરી સામાન લઈને મહિલાના ઘરમાં પહોંચ્યો.
મહિલાને દુખાવો વધારે હોવાથી દવાખાને લઈ જવાની જરૂર જણાતા મહિલાને એમ્બ્યુલન્સમાં લેવામાં આવી.હોસ્પિટલ તરફ જતાં રસ્તામાં સેલોદ ગામ પાસે પહોચતા ઈ.એમ.ટી. હિતેશ તડવીને પ્રસુતિના લક્ષણો જણાતા પાયલોટ મેહુલભાઈ વસાવાને એમ્બ્યુલન્સ રસ્તા ની બાજુમાં રાખવાનું જણાવ્યું.પરિસ્થિતિ ની ગંભીરતા જોઈને ૧૦૮ ના સ્ટાફે ૧૦૮ ઈમરજન્સીની અમદાવાદ આોફિસમાં બેઠેલા તબીબની સલાહ લઈને મહિલાને એમ્બ્યુલન્સ માંજ સફળ પ્રસુતિ કરાવી હતી.કરૂનાબેને દીકરીને જન્મ આપ્યો હોવાનું જાણતા તેમનાં પરિવારમાં ખુશી ફેલાવા પામી હતી.બાદમાં માતા અને બાળકને જરૂરી સારવાર માટે ઝઘડીયા સેવારુરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.