૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનાં ૧૬ સ્થળોએ “પક્ષીઘર” મુકી પક્ષીઓ માટે દર્શાવી અનોખી સંવેદના

આણંદ, કોરોના વાઇરસ અને સંક્રમણ વચ્ચે કેટલીક સારી સેવા ઓ ના કામો પણ થઈ રહ્યા છે. કોરોના સંકટ વચ્ચે ઘણીબધી માનવીય સંવેદનાઓ સાથેની ઘટનાઓ ઉજાગર થઇ છે. કોરોના કહેર વચ્ચે માનવ જીંદગીઓ બચાવવા સાથે અબોલ પક્ષીઓની સેવા કરી આણંદ ૧૦૮ એમબ્યુલન્સ સેવા અને સ્ટેન્ડ સ્થળે સેવાનાં કોરોના યોધ્ધાઓએ માનવીની સાથે પક્ષીઓની સેવા કરી માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પુરૂપાડ્યું છે.
આણંદ ૧૦૮ સેવાનાં કર્મીઓ ઉનાળાના ઘોમધખતા તાપમાં અબોલ પક્ષીઓ પ્રત્યે અનોખી સંવેદનાનાં દર્શન કરાવી પક્ષીઓને ચણ નાખવા પક્ષીઘર બનાવી માનવ સાથે પક્ષીઓની જીંદગી બચાવવા માટેનું સંવેદનશીલ કાર્યકરી રહ્યા છે. આણંદ જિલ્લાનાં વાસદ ખાતે ૧૦૮, એમ્બ્યુલન્સ સેવાનાં કર્મયોગી શ્રી નાઝીરભાઈ જણાવે છે કે, જ્યારે અમે બપોરનાં સમયે ભોજન કરવા માટે બેસતા ત્યારે મનમાં વિચાર આવ્યો કે, આટલી ગરમીમાં પક્ષીઓ શું ખાતા હશે…?
આ વિચારને સાર્થક કરવા પક્ષીઓને એક જ સ્થળે જરૂરી ચણ મળી રહે એટલું જ નહીં અને આગામી શરૂ થતી વરસાદી સિઝનમાં તેઓને રક્ષણ મળે તે માટે આણંદ જિલ્લાનાં ૧૦૮ આરોગ્ય સેવાના તમામ ૧૬ સ્થળોએ પક્ષીઘર મૂકી પક્ષીઓને પૂરતો ખોરાક મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. શ્રી નાઝીરભાઈ વધુમાં જણાવે છે કે વેસ્ટ માંથી બેસ્ટનાં ખ્યાલ સાથે પક્ષીઘર બનાવી આણંદ જિલ્લાનાં આણંદ ગ્રીડ, વિદ્યાનગર, ઉમરેઠ, ઓડ, પણસોરા, સોજીત્રા, પેટલાદ, પણસોરા, ખંભાત, બામણગામ, ઈન્દ્રણજ, તારાપુર, વાસદ, તારાપુર સહિત અન્ય સ્થાનો પર પક્ષીઘર મૂકવામાં આવ્યાં છે. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓની અબોલ પક્ષીઓ માટેની આ સંવેદના ખરેખર પ્રેરણાદાયી છે. સલામ છે આ માનવ આરોગ્ય સેવા સાથે અબોલ પક્ષીઓની સેવા કરતા કોરોના યોધ્ધાઓને.