૧૦ ખેત મજુરોના પરિવારને ફ્લાઇટમાં વતન મોકલાયા

નવી દિલ્હી, તિગીપુર ગામના ખેડૂત પપ્પનસિંહ ગેરલોત મશરુમની ખેતી કરે છે. તેમને ત્યાં છેલ્લાં ૨૭ વર્ષોથી બિહારના કેટલાક મજૂરો ખેતમજૂરી કરવા માટે આવે છે. તેમજ સીઝન પુર્ણ થયા બાદ વતન પરત ફરતાં હોય છે. આ વર્ષે પણ ૧૦ લોકોનો પરિવાર તેમનાં ફાર્મ પર આવ્યો હતો. આ દરમિયાન જ લોકડાઉન થતાં સીઝન પુર્ણ થતાં ઘેર પરત ફરવામાં મુશ્કેલી ઉભી થઈ હતી. ત્યારે ફાર્મમાલિકે તાજેતરમાં વિમાની સેવા શરૂ થતાં તેમનાં માટે બુકિંગ કરાવ્યું હતું. તેમજ દિલ્હી એરપોર્ટ સુધી જવા તેમનાં વાહન પુરાં પાડ્યા હતા.
જેના પગલે ૧૦ ખેતમજૂરો ૨૮મીએ ફલાઈટમાં બિહાર જવા રવાના થયા હતા. તેઓની વિદાય ટાણે ખેડૂતે તમામ શ્રમિકોને તેમને સિઝનની મજૂરી તો ચૂકવી હતી, પરંતુ એરપોર્ટ પર પણ ઈનામરૂપે ત્રણ ત્રણ હજાર પણ આપ્યા હતા, તેમજ તેમને વતનમાં પણ ભૂખનો સામનો ના કરવો પડે તે માટે જરૂર પડશે ત્યારે બીજી રકમ પણ મોકલવાનું વચન પણ આપ્યું હતું. શ્રમિકોએ જ્યારે વતનમાં ફોન કરીને તેઓ હવાઈ જહાજમાં ઘેર પરત ફરી રહ્યા હોવાનું જણાવ્યું તો પરિવારજનોએ પણ અચરજની લાગણી અનુભવી હતી.