૧૦ જિલ્લામાં આજથી ૧૮ વર્ષથી ઉપરનાને રસી અપાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/18rasikaran-1024x576.jpg)
મે મહિનામાં રાજ્યને ૧૧ લાખ ડોઝ પ્રાપ્ત થશે તેવું રસી બનાવતી કંપનીઓએ આશ્વાસન આપ્યું છેઃ મુખ્યમંત્રી
ગાંધીનગર, આવતીકાલથી ૧૮ વર્ષથી વધુ વય ધરાવતા તમામ નાગરિકો માટે વેક્સિનેશન શરુ થઈ રહ્યું છે. એક તરફ વેક્સિનની અછત હોવાના સતત અહેવાલો આવી રહ્યા છે, ત્યારે સીએમ વિજય રુપાણીએ આ મામલે જણાવ્યું હતું કે આજે સાંજ સુધીમાં જ ત્રણ લાખ જેટલા ડોઝ હવાઈ માર્ગે ગુજરાત આવી રહ્યા છે.
કાલથી જ રાજ્યના સૌથી વધુ પ્રભાવિત ૧૦ જિલ્લામાં ૧૮ વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકોને રસી આપવાનું શરુ કરી દેવામાં આવશે. સીએમે જણાવ્યું હતું કે, મે મહિનામાં રાજ્યને ૧૧ લાખ ડોઝ પ્રાપ્ત થશે તેવું રસી બનાવતી કંપનીઓએ આશ્વાસન આપ્યું છે. જાેકે, સરકાર હજુ વધુ જથ્થો મળે તે માટે પણ પ્રયાસ કરી રહી છે.
રાજ્યના અન્ય જિલ્લામાં પણ રસીનો જથ્થો જેમ-જેમ આવતો જશે તેમ-તેમ તબક્કાવાર વેક્સિનેશન શરુ કરવામાં આવશે. હાલ રાજ્યના જે ૧૦ જિલ્લામાં સૌથી વધુ કોરોના ફેલાયો છે, ત્યાં સૌ પહેલા વેક્સિન આપવામાં આવશે. જે દસ જિલ્લામાં વેક્સિનેશન શરુ થવાનું છે તેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ગાંધીનગર અને ભરુચ જિલ્લાનો સમાવેશ થાય છે.
આ જિલ્લામાં આવતીકાલે સવારે ૯ વાગ્યાથી રસીકરણનો કાર્યક્રમ શરુ થશે. સીએમે સ્પષ્ટતા કરી હતી કે, ચોથા તબક્કાના વેક્સિનેશનમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે. જે લોકોને રજિસ્ટ્રેશનનો મેસેજ આવેલો છે તેમને જ વેક્સિન લેવા જવાનું રહેશે. જે લોકોને મેસેજ આવ્યો છે, તે લોકો જ વેક્સિન લઈ શકશે.
સ્થળ પર રજિસ્ટ્રેશન વિના કોઈ વ્યક્તિને રસી નહીં મળે. ગુજરાતના દરેક નાગરિકને વેક્સિન મળવાની જ છે તેવી ખાતરી આપતા સીએમ રુપાણીએ કહ્યું હતું કે, દરેક વ્યક્તિનો જેમ-જેમ વારો આવે તેમ-તેમ વેક્સિન આપવામાં આવશે. કોઈ ઉતાવળ ના કરે, અવ્યવસ્થા ઉભી ના કરે, અને ખોટી ચિંતા પણ ના કરે તેવી પણ સીએમે અપીલ કરી હતી
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ૧ મેથી આખા દેશમાં ૧૮ વર્ષથી વધુ વય ધરાવતા તમામ નાગરિકોને રસી આપવાની જાહેરાત કરી દીધી હતી. જાેકે, અનેક રાજ્યોએ એવી ફરિયાદ કરી હતી કે તેમને ત્યાં વેક્સિનનો સ્ટોક જ ખતમ થઈ ગયો છે.
ગુજરાતમાં પણ રસીનો સ્ટોક ખાસ ના બચ્યો હોવાના કારણે રાજ્યમાં ૧લી મેથી વેક્સિનેશન શરુ થશે કે કેમ તે અંગે સવાલ ઉભો થયો હતો. જાેકે, સીએમ રુપાણીએ આજે જણાવ્યું છે કે, વેક્સિનના ત્રણ લાખ જેટલા ડોઝ આજ સાંજ સુધીમાં પહોંચી રહ્યા છે. તેવામાં સવાલ એ છે કે, ત્રણ લાખ ડોઝથી કેટલા લોકોને વેક્સિન આપી શકાશે, અને આ સ્ટોક કેટલો સમય ચાલશે?