૧૦ બાળકોની જન્મ આપ્યાનો દાવો કરનારી મહિલા ઝબ્બે
સાઉથ આફ્રિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટના કહેવા મુજબ, તેમને મહિલાના દાવાને સાબિત કરતા કોઈ પુરાવા મળ્યા નથી
જાેહાનિસબર્ગ: દક્ષિણ આફ્રિકામાં એક મહિલાએ થોડા દિવસ પહેલા દાવો કર્યો હતો કે, તેણે એક સાથે ૧૦ બાળકોને જન્મ આપ્યો છે. આ મહિલા અંગે હવે કહેવામાં આવી રહ્યું છે કે, તેણે જાતે આ કહાની ઊભી કરી હતી. હકીકતમાં તેણે એક સાથે ૧૦ બાળકોને જન્મ આપ્યો જ નથી. પોલીસે આ મહિલાની ધરપકડ કરી લીધી છે અને તેને મેન્ટલ હોસ્પિટલમાં એડમિટ કરાવી છે.
ઈન્ડિપેન્ડન્ટ.કો.યુકેના અહેવાલ મુજબ, પોલીસે ૩૭ વર્ષની ગોસિયામી થમારા શિથોલેની જાેહાનિસબર્ગમાં એક સંબંધીના ઘરેથી ધરપકડ કરી છે. આ ગોસિયામીની અંગે તેના પાર્ટનર તેબોહો સોતેત્સીએ દાવો કર્યો હતો કે આ અહેવાલ વાયરલ થયા બાદથી જ તે તેને મળી શક્યો નથી અને એ ૧૦ બાળકોને પણ જાેયા નથી. ૩૭ વર્ષની ગોસિયામી ૭ જૂને ચર્ચામાં આવી હતી કે જ્યારે દક્ષિણ આફ્રિકાના સ્થાનિક મીડિયામાં જણાવાયું હતું કે, આ મહિલાએ ૧૦ બાળકોને એક સાથે જન્મ આપ્યો છે.
તેબોહોએ શરૂઆતમાં પોતે જ આ બાળકો અંગે જાણકારી આપી હતી, પરંતુ થોડા દિવસો પછી તે પોતાની વાત પરથી પલટી ગયો હતો. તેબોહોએ કહ્યું હતું કે, ગોસિયામીએ તેના લોકેશન અંગે કોઈ જાણકારી આપી નથી અને બાળકોને લઈને પણ કંઈ જણાવી નથી રહી. દક્ષિણ આફ્રિકાના નેશનલ ડિપોર્ટમેન્ટ ઓફ હેલ્થનું કહેવું છે કે, તેની તપાસમાં જાણવા મળ્યું છે કે, એ વાતના કોઈ પુરાવા નથી મળ્યા કે આ મહિલાએ એક સાથે ૧૦ બાળકોને જન્મ આપ્યો છે.
જાેકે, દક્ષિણ આફ્રિકાના એક લોકલ મીડિયા આઉટલેટ અને સ્વતંત્ર મીડિયા મુજબ આ મહિલાએ ૧૦ બાળકોને જન્મ આપ્યો છે, પરંતુ હોસ્પિટલની બેદરકારી છૂપાવવા માટે હવે આ મહિલાને ફસાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. જાેકે, આ આઉટલેટ ૧૦ બાળકોના જન્મ અંગેનો પુરાવો હજુ સુધી રજૂ નથી કરી શક્યું. દરમિયાનમાં, આ મામલે મહિલાના વકીલનું કહેવું છે કે, ગોસિયામીને મેન્ટલ હોસ્પિટલમાં તેની મરજી વિરુદ્ધ રાખવામાં આવી રહી છે અને તેને મુક્ત કરાવવા માટે તેઓ કોર્ટ ઓર્ડર માટે અરજી કરશે.
તેમણે કહ્યું કે, મારી ક્લાયન્ટનું કહેવું છે કે તે માનસિક રીતે તદ્દન સ્વસ્થ છે. ગોસિયામીએ તેના પાર્ટનર પર પણ છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. તેનું કહેવું છે કે, તેબોહો અને તેના પરિવારે આ બાળકોના નામે લોકો પાસેથી ડોનેશન લીધું છે. તો, ન્યૂઝ સાઈટ આઈઓએલ મુજબ, ગોસિયામીને હોસ્પિટલમાં ઘણા પ્રકારે ટોર્ચર કરવામાં આવી રહી છે.