Western Times News

Gujarati News

૧૦ લાખથી વધુ બાળકોને જાેડતો ઑનલાઈન સમર કેમ્પ મે માસમાં યોજાશે

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારંભ ૨૧મી ઍપ્રિલે યોજાશે

(પ્રતિનિધિ) ગાંધીનગર, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારંભ કુલાધિપતિ ગુજરાતના આદરણીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને, ૨૧મી ઍપ્રિલે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હૉલમાં યોજાશે, તેવું ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ માનનીય હર્ષદભાઈ શાહ જણાવે છે.

આ પદવીદાન સમારંભમાં યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા ૧૦૧ વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે, જ્યારે આઠ છાત્રોને ગોલ્ડ મેડલ અપાશે. આ પદવીદાન સમારંભ માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સહિતના મહાનુભાવોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ગર્ભસંસ્કારના માધ્યમ દ્વારા તેજસ્વી બાળકના જન્મથી તેજસ્વી ભારતના નિર્માણના ઉદ્દેશ્ય સાથે આ યુનિવર્સિટી કાર્ય કરી રહી છે. વિશ્વની આ એકમાત્ર અનોખી યુનિવર્સિટીની સ્થાપના ભારતના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારબીજથી થઈ છે.

બાળકોમાં રહેલી ક્ષમતાઓ, તેજસ્વિતાને પારખીને તેને વિકસાવવાનું, સંવર્ધન કરવાનું કામ પણ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી કરે છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં વસતાં તેજસ્વી બાળકોને શોધીને તેના હીરને વધુ નિખારવાના હેતુથી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા આજથી ૮મી ઍપ્રિલથી ‘ભારત જ્ઞાન પરીક્ષા’ લૉન્ચ કરવામાં આવી રહી છે.

આ પરીક્ષામાં ધોરણ ૬થી ૧૨ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. ૯મી એપ્રિલથી તેના માટે રજિસ્ટ્રેશન શરૂ થશે, જે એક મહિના સુધી ચાલશે. ભારતનો ઇતિહાસ, ભૂગોળ, પર્યાવરણ, ભાષા-સાહિત્ય, વર્તમાન પ્રવાહો, રમત-જગત, નાગરિકશાસ્ત્ર અને બંધારણ સહિતના વિષયો આ પરીક્ષામાં હશે.

તેના માટે અભ્યાસસામગ્રી રજિસ્ટ્રેશન સાથે જ આપવામાં આવશે. આ પરીક્ષાનો હેતુ તેજસ્વી છાત્રોને શોધીને તેમની ક્ષમતાઓને વધુ વિકસાવવાનો છે. તેઓ વધુમાં જણાવે છે કે, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી વિશ્વનો સૌથી મોટા ઑનલાઈન સમર કેમ્પ કલામૃતમ્‌-૨૦૨૨ યોજવા જઈ રહી છે.

૧૧થી ૧૫ મે દરમિયાન આ સમર કેમ્પ યોજાશે, જેમાં ૧૦ લાખ બાળકોને જાેડવાનું આયોજન છે. આ સમર કેમ્પમાં નાના બાળકથી લઈને ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. આ કેમ્પમાં રૂપિયા બે લાખ સુધીનાં ઇનામો આપવામાં આવશે.

આ સમર કેમ્પમાં ગીત-સંગીત, ચિત્રકળા, વેસ્ટમાંથી બેસ્ટ, પપેટ તેમજ જાદુના ખેલ ઑનલાઈન શીખવવામાં આવશે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા હાલમાં જ ૬થી ૯ માર્ચ દરમિયાન નડિયાદ ખાતે ગુજરાતની પ્રથમ અંડર-૧૧ એથ્લેટિક્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેના માટે ગુજરાતના ખૂણે-ખૂણેથી રજિસ્ટ્રેશન થયું હતું અને ૩૦૦૦થી વધુ બાળકો તેમાં જાેડાયાં હતાં. આ ઉપરાંત ૫મી માર્ચે માતૃત્વ જાગરણ સંમેલન પણ યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સગર્ભા માતાઓ અને દિવ્ય સંતાનના જન્મનું આયોજન કરતાં દંપતીઓ જાેડાયાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.